- પાકિસ્તાનમાં ભારે વરસાદને લીધે જનજીવન પ્રભાવિત
- નદીઓના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીનો પ્રવાહ નદીઓ અને બેરેજમાં વધ્યો
- પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં બેઝમેન્ટમાં પાણી ભરાતા 11 લોકોનાં મોત
પાડોશી દેશ પાકિસ્તાનમાં અત્યારે મૂશળાધાર વરસાદ ખાબકી રહ્યો છે. જેથી અનેક વિસ્તારમાં વરસાદી હાલાકી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ભારે વરસાદને લીધે પાણી ઘરના બેઝમેન્ટમાં ઘુસી જવાથી છ બાળકો સહિત એક જ પરિવરનાં 11 સભ્યોનાં મોત થયા હતા. આ અંગે બચાવ ટીમના અઘિકારીએ જણાવ્યું કે આ ઘટના પેશાવરના દક્ષિણમાં 35 કિલોમીટર દૂર કોહાટ જિલ્લામાં ખેલ તાલુકના દર્રા આદમમાં થઈ છે.
આ કારણથી ઘટના સર્જાઈ
પાકિસ્તાનમાં આવેલા નેશનલ ડિઝાસ્ટર એજન્સીના જણાવ્યા પ્રમાણે વરસાદનું પાણી ઘરના બેઝમેન્ટમાં ઘુસી ગયું હતું. જેનાથી પરિવાર ત્યાં ફસાઈ ગયો હતો. પરિણામે છ બાળકો, ત્રણ મહિલા અને બે પુરુષોનાં મોત નિપજયા હતા. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બેઝમેન્ટમાંથી મૃતદેહો બહાર કાઢયા હતા. બાદમાં મૃતદેહોને કોહાટમાં આવેલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના સીએમ અલી અમીને વરસાદ બાદ થયેલા મોત અંગે ભારે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ચેતવણી આપવામાં આવી
મળતી માહિતી મુજબ પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર એજન્સીએ ચેતવણી આપી છે કે બંગાળની ખાડીનું મૉન્સૂન પાકિસ્તાનના મધ્ય અને દક્ષિણ ભાગમાં પ્રવેશ કરી શકે છે. જેનાથી નદીઓના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
આકાશમાંથી આફતનો વરસાદ
અહીં એપણ જણાવી દઈએ કે, પાકિસ્તાનના બીજા વિસ્તારોમાં પણ આકાશમાંથી આફત વરસી રહી છે. રાવલપિંડીમાં ભારે વરસાદને લીધે મકાનની છત ધરાશાયી થતા એક મહિલા અને તેની દીકરીનું મોત થયું છે. ચોમાસામાં ભારે વરસાદનો પ્રકોપ હજી યથાવત્ રહેવાની ચેતવણી છે. આગામી 24 કલાકમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. પંજાબમાં ભારે વરસાદને લીધે નદી-નાળાં છલકાઈ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યા છે. અને સિવાય બેરેજમાં પણ પાણીની તીવ્ર પ્રવાહ વધ્યો છે.


