પાકિસ્તાને હવે તેની શિક્ષણ પ્રણાલી સુધારવા માટે ભારતના મોડલને અમલમાં મૂકવું પડશે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)એ પાકિસ્તાનને તેની નબળી શિક્ષણ પ્રણાલીને સુધારવા અને તેના નાગરિકોને ગુણવત્તાયુક્ત તાલીમ આપવા માટે ભારતની યોજના ઉલ્લાસને અપનાવવાની સલાહ આપી છે. મીડિયા અહેવાલ અનુસાર મનીલા સ્થિત ADBએ તેની શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા તેમજ શાળા બહારના તમામ બાળકોને શિક્ષણ આપવા માટે આર્થિક મદદની પાકિસ્તાનની વિનંતીના જવાબમાં આ ટિપ્પણીઓ કરી છે.
ADBએ કરી ભલામણ
સમાજમાં બધા માટે લાઈફ લોન્ગ શિક્ષણની સમજ (ઉલ્લાસ)ને ભારત સરકાર દ્વારા ગયા વર્ષે જુલાઈમાં અશિક્ષિત અને ઔપચાકરિક શાળાકીય શિક્ષણથી વંચિત બાળકોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. ADBએ ભલામણ કરી છે કે, સરકાર વ્યૂહાત્મક અને બહુ-હિતધારક અભિગમ અપનાવે અને ભારત સરકારની નવી કેન્દ્રીય પ્રાયોજિત ઉલ્લાસ જેવી યોજનાઓ અમલમાં મૂકે.
ઉલ્લાસ યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ માટે શિક્ષણના તમામ પાસાઓને આવરી લેતી નવી કેન્દ્રીય પ્રાયોજિત યોજના ઉલ્લાસને પાંચ વર્ષના સમયગાળા માટે મંજૂરી આપી હતી. ભારતીય ઉલાસ યોજનાનો ઉદ્દેશ માત્ર મૂળભૂત સાક્ષરતા પ્રદાન કરવાનો નથી પણ તેમાં 21મી સદી માટે જરૂરી જીવન કૌશલ્યોનો પણ સમાવેશ થાય છે. આ કૌશલ્યોમાં નાણાકીય સાક્ષરતા, ડિજિટલ સાક્ષરતા, વ્યાપારી કૌશલ્ય, આરોગ્ય સંભાળ જાગૃતિ, બાળ સંભાળ અને શિક્ષણ તથા કુટુંબ કલ્યાણનો સમાવેશ થાય છે.
શિક્ષણ પ્રણાલી પર પાકિસ્તાનનું કમિશન શું કહે છે?
પાકિસ્તાનના આયોજન પંચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશની શિક્ષણ વ્યવસ્થા સારી નથી, તેને સુધારવાની જરૂર છે. આ ઉપરાંત રિપોર્ટમાં જણાવાયું છે કે, ઇસ્લામાબાદ સિવાય તમામ 134 જિલ્લાઓ લર્નિંગ આઉટકમ અને પબ્લિક ફાઇનાન્સિંગમાં પાછળ છે. પાકિસ્તાનના 134 જિલ્લાઓમાંથી એકપણ જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે સારું રેટિંગ મળી શક્યું નથી. એજ્યુકેશન ઈન્ડેક્સ પોર્ટ મુજબ 134 માંથી 133 જિલ્લા મધ્યમથી નીચા ગ્રેડમાં આવે છે.


