મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પ્રતિબંધિત સંગઠન જમાત ઉદ દાવાના કેટલાક નેતાઓએ દાવો કર્યો છે કે ગયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલા વિશાળ વિરોધ પ્રદર્શનોમાં તેમના સંગઠને ભૂમિકા ભજવી હતી જેના કારણે તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાને સત્તા છોડવી પડી હતી.
જમાત ઉદ દાવાના નેતા સૈફુલ્લાહ કસૂરી અને યુએન દ્વારા નિયુક્ત આતંકવાદી મુઝમ્મિલ હાશ્મીએ આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના ભાષણોમાં આ દાવો કર્યો હતો. તેમને 1971ના બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધની ઘટનાઓનો ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યો અને તેને બદલો લેવાની તક ગણાવી.
બે ભાગમાં વહેંચાયેલું હતું પાકિસ્તાન
મીડિયા રિપોર્ટ મુજબ રહીમ યાર ખાનના અલ્હાબાદ વિસ્તારમાં સમર્થકોને સંબોધિત કરતી વખતે કસુરીએ કહ્યું કે ‘જ્યારે હું ચાર વર્ષનો હતો, ત્યારે પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયેલું હતું.’ ભારતના તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે તેમને બે રાષ્ટ્ર સિદ્ધાંતને બંગાળની ખાડીમાં ડૂબાડી દીધો હતો. પરંતુ 10 મેના રોજ, આપણે 1971નો બદલો લીધો.
તેને એ પણ સ્વીકાર્યું કે તેનો એક સાથી, મુદસ્સર, 7 મેના રોજ મુરિદકે પર ભારતીય હવાઈ હુમલામાં માર્યો ગયો હતો અને તેના શરીરના ટુકડા ટુકડા થઈ ગયા. તેમને કહ્યું, ‘મને તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની મંજૂરી ન હતી.’ તે દિવસે હું ખૂબ રડ્યો.
ભારતે મને પહલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ બનાવ્યો: કસુરી
હેરાનીની વાત તો એ છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ટોચના લશ્કરી, પોલીસ અને નાગરિક અમલદારશાહીએ મુદસ્સર સહિત ત્રણ જમાત-ઉદ-દાવા આતંકવાદીઓના કેમેરા સામે અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
કસુરીએ કહ્યું કે “પહલગામ હુમલા સમયે, હું મારી સભામાં લોકોને મળી રહ્યો હતો. પરંતુ ભારતે મને આ હુમલાનો માસ્ટરમાઈન્ડ બનાવ્યો. હવે મારું શહેર કસુર આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું છે. અમે આવનારી પેઢીને જેહાદ માટે તૈયાર કરી રહ્યા છીએ. અમને મરવાનો કોઈ ડર નથી.”
બાંગ્લાદેશમાં તમને હરાવ્યા: મુઝમ્મિલ હાશ્મી
ગુજરાંવાલામાં આયોજિત એક સભામાં મુઝમ્મિલ હાશ્મીએ ભારતીય નેતૃત્વને સંબોધિત કરતા દાવો કર્યો હતો કે, “અમે ગયા વર્ષે બાંગ્લાદેશમાં તમને હરાવ્યા હતા.”
હાશ્મી 5 ઓગસ્ટના રોજ થયેલા વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના પછી શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ હસીના ભારત આવી અને ત્રણ દિવસ પછી મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા પછી, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં જબરદસ્ત સુધારો થયો છે. આ નિવેદનો પર પ્રતિક્રિયા આપતા, ભૂતપૂર્વ પાકિસ્તાની રાજદ્વારી હુસૈન હક્કાનીએ કહ્યું કે ‘જેહાદી ઉગ્રવાદીઓના આવા જાહેર નિવેદનોથી દુનિયા માટે એ માનવું મુશ્કેલ બને છે કે પાકિસ્તાન હવે આ દળોને પ્રાયોજિત કે સમર્થન આપતું નથી.’