- પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારેથી અતિ ભારે વરસાદ
- અસરગ્રસ્ત જિલ્લાઓ માટે પાકિસ્તાન સરકાર 110 મિલિયન રૂપિયા ખર્ચશે
- પાકિસ્તાનમાં મૂશળધાર વરસાદથી મોટાપાયે નુકસાન
પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, પાકિસ્તાનમાં આતંકવાદ, મોંઘવારી અને હવે ભારે વરસાદે કેર વર્તાવ્યો છે. છેલ્લા અઠવાડિયાથી પાકિસ્તાનમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદ અને વીજળી પડવાને લીધે પાકિસ્તાનમાં 63 લોકોનાં મોત થયા છે અને 78 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં 33 બાળકો, 15 પુરૂષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે.
પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (PDMA) એ રવિવારે જણાવ્યું હતું કે, ખૈબર પખ્તૂનખ્વામાં તાજેતરના વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 63 લોકોનાં મોત થયા છે અને 78 લોકો ઘાયલ થયા છે. PDMAએ પોતાના રિપોર્ટમાં કહ્યું, ‘મૃતકોમાં 33 બાળકો, 15 પુરૂષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે અને ઘાયલોમાં 17 મહિલાઓ, 37 પુરૂષો અને 24 બાળકોનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, 477 મકાનો ધરાશાયી થયા છે અને 2,725 મકાનોને નુકસાન થયું છે. અસરગ્રસ્ત જિલ્લાઓને રૂ. 110 મિલિયન જાહેર કરાયા
પાકિસ્તાન સરકારે સહાય જાહેર કરી
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીના નિર્દેશ પર, પીડીએમએ અત્યાર સુધીમાં અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટ માટે 110 મિલિયન રૂપિયા જારી કર્યા છે. આ ઉપરાંત, નવા વિલીનીકરણ પછી રચાયેલા જિલ્લાઓને રાહત કામગીરી માટે રૂ. 90 મિલિયન પણ જારી કરવામાં આવ્યા છે.
નાણાકીય સહાયની સાથે, પીડીએમએ પેશાવર, નૌશેરા, ચિત્રાલ, સ્વાત, બજૌર, લોઅર કોહિસ્તાન, મોહમંદ, અપર ડીર, ટાંક, શાંગલા અને તોરઘર જેવા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં લોકોને રાહત સામગ્રી પૂરી પાડી હતી. વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી રાહત સામગ્રીમાં તંબુ, સાદડીઓ, રસોડાના સેટ, ધાબળા, પથારી, તાડપત્રી, સોલાર લેમ્પ અને અન્ય રોજિંદા જીવન સામગ્રીનો સમાવેશ થાય છે.
પાકિસ્તાના આ જિલ્લા જળમગ્ન
અચાનક પૂર પછી, પેશાવર, ચારસદ્દા, નૌશેરા ખૈબર, લોઅર ચિત્રાલ, અપર ચિત્રાલ, અપર ડીર, લોઅર ડીર, સ્વાત, બજૌર, શાંગલા, માનસેહરા, મોહમંદ, મલકાંદ, કરાકા, ટાંક, મર્દાન, બાનેર, હંગુ, બન્નુ, ઉત્તર અને દક્ષિણ વજીરિસ્તાન, કોહાટ, ડેરા ઈસ્માઈલ ખાન અને ઓરકઝઈ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે ભારે આર્થિક નુકસાન થયું છે. દરમિયાન, પીડીએમએના પ્રવક્તાએ કહ્યું કે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં બચાવ કામગીરી અને રાહત પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમણે કહ્યું કે પીડીએમએ પહેલાથી જ તમામ જિલ્લાના અધિકારીઓને વરસાદના ત્રીજા રાઉન્ડ પહેલા સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.
પાકિસ્તાનમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો
બલૂચિસ્તાનમાં સામાન્ય કરતાં 256 ટકા વધુ વરસાદ થયો છે. સમગ્ર પાકિસ્તાનમાં આ મહિને સામાન્ય કરતાં 61 ટકા વધુ વરસાદ થયો છે અને આ દર્શાવે છે કે આપણા દેશમાં ક્લાઈમેટ ચેન્જ થઈ ચૂક્યો છે. તેમણે જણાવ્યું કે 2022માં ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ હતી અને એક સમયે પાકિસ્તાનનો એક તૃતીયાંશ ભાગ પૂરથી ઢંકાઈ ગયો હતો. જેમાં 1,739 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પૂરને કારણે 30 બિલિયન યુએસ ડૉલરનું નુકસાન પણ થયું હતું, જેમાંથી પાકિસ્તાન હજુ પણ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે.


