- આસિફા ભુટ્ટો ઝરદારીના શપથને ભાઈ બિલવાલે ગણાવી ઐતિહાસિક ક્ષણ
- આસિફા 29 માર્ચે NA 207 શહીદ બેનઝીરાબાદથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા
- નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદીકે આસિફાને શપથ લેવડાવ્યા
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પૂર્વ દિવંગત પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની દીકરી આસિફા ભુટ્ટો ઝરદારીએ સોમવારે નેશનલ એસેમ્બલીના સભ્ય તરીકે શપથ લીધા હતા. રાજનીતિના ક્ષેત્રમાં નવી ઇનિંગ શરૂ કરનાર આસિફા ઝરદારી 29 માર્ચે NA 207 શહીદ બેનઝીરાબાદથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જણાવી દઈએ કે આ સીટ તેમના પિતા આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ખાલી પડી હતી.
ભાઈ બિલાવલ ભુટ્ટો સાથે નેશનલ એસેમ્બલી પહોંચ્યા આસિફા
આસિફા તેમના ભાઈ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો સાથે નેશનલ એસેમ્બલી પહોંચ્યા હતી. નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદીકે તેમને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સાથે જોડાયેલા એમએનએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાદમાં ટ્રેઝરી સાંસદોએ વોકઆઉટ કર્યું હતું.
પીટીઆઈનો વિરોધ સકરંદ પોલીસ દ્વારા તેમના NA 207 ઉમેદવાર ગુલામ મુસ્તફા રિંદની ધરપકડને લઈને કરવામાં આવ્યો હતો. PTI પાર્ટીએ કહ્યું હતું કે રિંદ તેમના પ્રતિનિધિ હતા, જે પેટાચૂંટણીમાં આસિફા સામે ચૂંટણી લડવાના હતા.
રાષ્ટ્રપતિ ઝરદારીએ દીકરીને પાઠવ્યા અભિનંદન
રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર શપથની તસવીરો શેર કરી અને આસિફાને નવી ઇનિંગ માટે શુભેચ્છા પાઠવી. તેમણે પોસ્ટમાં લખ્યું, “રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આસિફા ભુટ્ટો ઝરદારીને નેશનલ એસેમ્બલીના સભ્ય તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.”
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી દ્વારા પણ આસિફા અલી ઝરદારીના શપથ ગ્રહણની તસવીરો શેર કરી હતી. ટ્વિટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે “આસિફા ભુટ્ટો ઝરદારીએ નેશનલ એસેમ્બલીના નવા સભ્ય તરીકે શપથ લીધા. સ્પીકર સરદાર અયાઝ સાદિકે શપથ લેવડાવ્યા,” આ દરમિયાન પીપીપીએ આસિફાના શપથને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. આસિફાની બહેન બખ્તાવર ઝરદારીએ પણ આ ક્ષણની ઉજવણી કરી હતી. પીપીપીના કેન્દ્રીય માહિતી સચિવ ફૈઝલ કરીમ કુંડીએ પણ આસિફાના શપથને પાકિસ્તાનના ઈતિહાસનો ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.


