- આતંકવાદીઓનું પાલન પોષણ કરનાર ખુદ પાકિસ્તાન હવે આતંકવાદનો ભોગ બન્યું
- પાકિસ્તાનના કુર્રમ જિલ્લામાં આતંકવાદી હુમલો
- આતંકવાદીઓએ પાકિસ્તાની સૈન્ય વાહનને બોમ્બથી ઉડાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો
આતંકવાદીઓનું પાલન પોષણ કરનાર ખુદ પાકિસ્તાન હવે આતંકવાદનો ભોગ બની રહ્યું છે. પાકિસ્તાને જાતે હાથથી કૂહાડી પર ઘા કરી દીધો છે. આતંકવાદીઓએ શરણ આપનાર પાકિસ્તાની સૈન્ય પર શુક્રવારે એક વિનાશકારી આતંકી હુમલો કર્યો હતો. જેમાં ચાર સૈનિકો મોતને ભેટયા હતા. આતંકવાદીઓએ સૈન્ય ગાડીને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. તેમને સૈન્ય વાહન પર ફાયરિંગ પણ કર્યું હતું. આ બોમ્બ વિસ્ફોટ પાકિસ્તાનના કુર્રમ જિલ્લામાં થયો હતો.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે 16 જૂનના રોજ પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નો ટોચનો કમાન્ડર માર્યો ગયો હતો.
TTP કમાન્ડર વલીઉલ્લાહને બન્નુ કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા પ્રાંતના લક્કી મારવત જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશનમાં માર્યો ગયો હતો. આ ઓપરેશન તાજુરી રોડ પર મલંગ અડ્ડા પાસે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સશસ્ત્ર આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
પાકિસ્તાનથી મળતી માહિતી અનુસાર, સુરક્ષાદળોના વળતા ગોળીબારમાં આતંકવાદી વલીઉલ્લાહ માર્યો ગયો હતો. તે TTP ટીપુ ગુલ જૂથનો સ્થાનિક કમાન્ડર હતો અને કમાન્ડર અતીકુર રહેમાન ઉર્ફે ટીપુ ગુલ મારવતનો સંબંધી હતો. વલીઉલ્લાહ સીટીડી બન્નુ, ડીઆઈ ખાન અને સ્થાનિક પોલીસ પર બોમ્બ વિસ્ફોટ અને પોલીસ અને સુરક્ષા દળો પર હુમલાના અનેક કેસમાં વોન્ટેડ હતો.
આતંકવાદી જૂથ તહેરિક-એ-તાલિબાનને અલ-કાયદાનું નજીકનું મનાય છે. આ જૂથે પાકિસ્તાનમાં ઘણા ભયંકર હુમલા માટે દોષિત ઠેરવવામાં આવે છે. જેમાં વર્ષ-2009માં સૈન્ય મુખ્યાલય પર હુમલો, સૈન્ય ઠેકાણા પર હુમલા અને વર્ષ-2008માં ઈસ્લામાબાદના હોટલમાં બોમ્બ વિસ્ફોટ સામેલ છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં રિમોટ કંટ્રોલથી માર્ગ પાસે થયેલા એક પ્રચંડ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત થયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના અફઘાનિસ્તાનની સરહદ પાસે લાગેલા કુર્રમ વિસ્તારમાં સર્જાઈ હતી.


