- ISIના પૂર્વ ચીફ ફૈઝ હમીદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના તપાસના આદેશ
- એક હાઉસિંગ સોસાયટીના માલિકે પૂર્વ ચીફ પર લગાવ્યા આરોપો
- પીડિતના ઘરમાં ધુસીને દરોડા પાડ્યા હતા અને કિંમતી સામાન લૂંટી લીધો હતો
Pakistan News: હવે પાકિસ્તાનની સેના પોતાની જ ગુપ્તચર સંસ્થાના ISIના પૂર્વ ચીફ ફૈઝ હમીદ વિરુદ્ધ તપાસ કરવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મેજર જનરલની અધ્યક્ષતામાં તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર, તેમના પર ગેરકાયદેસર રીતે ઘરમાં ઘૂસીને લૂંટ કરવાનો આરોપ છે. પીડિતે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, બાદમાં સુપ્રીમ કોર્ટના આદેશો અને સંરક્ષણ મંત્રાલયના નિર્દેશો બાદ હમીદ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે જનરલ હમીદ વિરુદ્ધ આ પહેલી સત્તાવાર તપાસ હશે. ફૈઝે તેમની નિવૃત્તિના કેટલાક મહિના પહેલા નવેમ્બર 2022 માં રાજીનામું આપ્યું હતું.
નવાઝ શરીફને હટાવવામાં ફૈઝનો હતો હાથ
ફૈઝનું નામ અગાઉ પણ વિવાદોમાં ચર્ચાયેલું રહ્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર જનરલ ફૈઝ હમીદનું નામ ફૈઝાબાદ વિરોધ સહિત અનેક મામલામાં સામે આવ્યું હતું, પરંતુ તે કેસમાં ફૈઝને ક્લીનચીટ મળી ગઈ હતી. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે પણ સુપ્રીમ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે તેમને સત્તા પરથી હટાવવા પાછળ ફૈઝ હમીદ અને પૂર્વ આર્મી ચીફ જનરલ બાજવાનો હાથ છે. હવે એક હાઉસિંગ સોસાયટીના માલિકે તેમના પર આરોપો લગાવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફૈઝે ગેરકાયદેસર રીતે પીડિતના ઘરમાં ધુસીને દરોડા પાડ્યા હતા અને કિંમતી સામાન લૂંટી લીધો હતો. હવે ઘણા મહિનાઓ બાદ સેનાએ જનરલ ફૈઝ હમીદ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.
જાણો શું છે આખો ખેલ?
પાકિસ્તાની મીડિયા અનુસાર, 8 નવેમ્બર 2023 ના રોજ ટોપ સિટી સોસાયટીના માલિક મોઇઝ અહેમદ ખાને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ફૈઝ હમીદ પર અધિકારોના દુરુપયોગનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું છે કે 12 મે 2017ના રોજ ફૈઝના કહેવા પર ISI અધિકારીઓએ તેમની ઓફિસ અને ઘર પર દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન ISI અધિકારીઓએ ઘરમાંથી સોનું, હીરા અને રોકડ સહિતની કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લીધી હતી. બાદમાં, જ્યારે મામલો ગરમાયો ત્યારે ફૈઝ આ મુદ્દાને ઉકેલવા માટે વ્યક્તિગત રીતે તેમને મળવા પહોંચ્યા હતા. એમ પણ કહેવામાં આવ્યું હતું કે દરોડા દરમિયાન લેવામાં આવેલી વસ્તુઓ પરત કરવામાં આવશે, પરંતુ 400 તોલા સોનું અને રોકડ તેમને પરત નહીં કરવામાં આવે. બિઝનેસમેનનો આરોપ છે કે ISI અધિકારીઓએ તેની પાસેથી 4 કરોડ રૂપિયા રોકડા વસૂલ કર્યા છે.


