- પાકિસ્તાનના વિદેશમંત્રીને ચીને સંભળાવી દીધી
- ચીની નાગરિકો પર હુમલાને લઇને આકરાપાણીએ ચીન
- પાકિસ્તાનના વિદેશમંત્રી છે ચીનમાં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનના પ્રવાસે છે. બીજી તરફ પાકિસ્તાનાન ઉપ મુખ્યમંત્રી અને વિદેશમંત્રી ઇશાક ડાર ચીનમાં છે. ત્યારે પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલાને લઇને ચીને પાકિસ્તાનના વિદેશમંત્રીને ખરીખોટી સંભળાવી છે.
ચીન-પાકિસ્તાન વચ્ચે શું થઇ ચર્ચા ?
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડાર ચીન પહોંચી ગયા છે. જ્યાં તેમણે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. ચીન અને પાકિસ્તાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો પર ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન ચીને પાકિસ્તાન સાથે પોતાના જવાનોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જેમાં ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે, “પાકિસ્તાને CPEC પ્રોજેક્ટમાં સામેલ હજારો ચીની કામદારોની સુરક્ષા માટે દરેક સંભવ પ્રયાસ કરવા જોઈએ.મહત્વનું છે કે ચીન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા CPEC પ્રોજેક્ટ માટે હજારો ચીની કામદારો પાકિસ્તાનમાં હાજર છે. તાજેતરમાં, ચીનના નાગરિકો પર વધતા હુમલાઓથી ચીન ચિંતિત બન્યું છે.
ચીન પાકિસ્તાનમાં CPECને પ્રોત્સાહન આપવા તૈયાર
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે વર્ષોથી પાકિસ્તાને વન-ચાઈના સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન કર્યું છે અને ચીનના મુખ્ય હિતોને લગતા મુદ્દાઓ પર કોઈપણ જાતના વાંધાઓ વિના ચીનને સમર્થન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ચીન પાકિસ્તાનની રાષ્ટ્રીય સંપ્રભુતા, સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક બાબતોમાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે ચીન પાકિસ્તાનમાં CPECને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નો કરવા તૈયાર છે.
પાકિસ્તાનમાં ચીની નાગરિકોની હત્યા
માર્ચ મહિનામાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા હુમલામાં પાંચ ચીની અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા હતા. ચીનના CPEC પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાયેલા દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટના વાહન પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલા થયા છે.


