- સતત પાંચમી વખત સેમિફાઇનલમાં પહોંચી કિવિ ટીમે ઇંગ્લેન્ડની બરોબરી કરી
- 2019ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બન્યું
- પાકિસ્તાનના જીતવા અંગે ભલભલાદિગ્ગજોની ગણતરીઓ ટોસ બાદ ખોટી પડી
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ આઇસીસી ઇવેન્ટમાં સતત સારો દેખાવ કરતી આવી છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં ટોસ હારવાની સાથે પાકિસ્તાનની ટીમ વર્તમાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી અને ન્યૂઝીલેન્ડની ટીમે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. આ સાથે કિવિ ટીમે ઇંગ્લેન્ડના રેકોર્ડને પણ સરભર કર્યો છે. ન્યૂઝીલેન્ડ સતત પાંચમી વખત અંતિમ-4મા પહોંચનાર બીજી ટીમ બની ગઈ છે. ઇંગ્લેન્ડની ટીમ સતત પાંચ વખત સેમિફાઇનલમાં પહોંચી હતી પરંતુ ચેમ્પિયન બનવાથી વંચિત રહી હતી. ઇંગ્લેન્ડની ટીમ 1975, 1979, 1983, 1987, 1992ના વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલ સુધી પહોંચી હતી. ઇંગ્લેન્ડની ટીમ 1979, 1987 તથા 1992માં ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ટાઇટલ જીતી શકી નહોતી. 2019ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમ 2007, 2011, 2015, 2019 તથા 2023ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે પરંતુ તે હજુ સુધી એક પણ વખત વિજેતા બની શકી નથી.
હારિસ રઉફ સૌથી ખર્ચાળ બોલર બન્યો
વર્તમાન વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો અભિયાનનો લીગ તબક્કામાં જ અંત આવી ગયો છે. ઇંગ્લેન્ડે તેની સાથે નવ વિકેટે 337 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનના અનુભવી પેસ બોલર હારિસ રઉફે 10 ઓવરમાં 64 રન આપીને ત્રણ વિકેટ હાંસલ કરી હતી. તે પાકિસ્તાન તરફથી સર્વાધિક વિકેટ ઝડપવાના મામલે બીજા ક્રમે રહ્યો છે. તેણે નવ મેચમાં 16 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે આ વર્લ્ડ કપમાં એક શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે પાકિસ્તાન તરફથી સર્વાધિક રન પણ આપ્યા છે. તેણે કુલ 474 બોલ ફેંક્યા હતા અને કુલ 533 રન આપ્યા હતા. આ પહેલાં ઇંગ્લેન્ડના સ્પિનર આદિલ રાશીદના નામે ખર્ચાળ બોલરનો રેકોર્ડ હતો જેણે 2019ના વર્લ્ડ કપમાં 526 રન આપી દીધા હતા.
જોઇ રુટના વર્લ્ડ કપમાં એક હજાર રન પૂરા, ઇંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો
પાકિસ્તાન સામેની મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન જોઇ રુટે શાનદાર રેકોર્ડ નોંધાવ્યો હતો. 2019ની ચેમ્પિયન ટીમના ખેલાડી રુટે પાકિસ્તાન સામે 72 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. તે વર્લ્ડ કપમાં એક હજાર રન પૂરા કરનાર ઇંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી બની ગયો છે. રુટ હવે સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, વિરાટ કોહલી, રોહિત શર્મા, બ્રાયન લારા તથા એબી ડીવિલિયર્સની ઇલિટ ક્લબમાં સામેલ થઇ ગયો છે. ગ્રેહામ ગૂચને પાછળ રાખી દીધો. જોઇ રુટ વર્લ્ડ કપમાં એક હજાર રન પૂરા કરનાર વિશ્વનો 28મો બેટ્સમેન બની ગયો છે. રુટે 25 ઇનિંગ્સમાં 44.95ની સરેરાશથી 1034 રન બનાવ્યા છે. તેણે ત્રણ સદી અને છ અડધી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ તરફથી વર્લ્ડ કપમાં ગ્રેહામ કૂચે 1979 તથા 1992ના વર્લ્ડ કપમાં કુલ 898 રન બનાવ્યા છે.


