- આખરે પાકિસ્તાનમાં સરકારની રચનાનો સમય આવી ગયો
- શહબાઝ શરીફ ફરી એકવાર ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે
- નવા વડાપ્રધાનની પસંદગી માટે નેશનલ એસેમ્બલીમાં મતદાન થશે
આખરે પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકારની રચનાનો સમય આવી ગયો છે. ચૂંટણીમાં ધાંધલ ધમાલના આક્ષેપો અને સરકારની રચનાની વાટાઘાટોના અનેક રાઉન્ડ વચ્ચે પીએમએલ-એનના ટોચના નેતા શહબાઝ શરીફ રવિવારે પાકિસ્તાનના 33મા વડાપ્રધાન બનવાના છે. શહબાઝ શરીફ ફરી એકવાર ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી શકે છે.
શહબાઝ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સંયુક્ત ઉમેદવાર છે. તેણે પોતાનું નોમિનેશન જમા કરાવી દીધું છે. તેમના હરીફ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઓમર અયુબ ખાને પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. પીએમએલ-એનના પ્રમુખ 72 વર્ષીય શહબાઝ ત્રણ વખતના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના 74 વર્ષના નાના ભાઈ છે. નેશનલ એસેમ્બલી સચિવાલયના જણાવ્યા અનુસાર નવા વડાપ્રધાનની પસંદગી માટે રવિવારે નેશનલ એસેમ્બલીમાં મતદાન થશે. સફળ ઉમેદવારને સોમવારે રાષ્ટ્રપતિ ભવન, ઈવાન-એ-સદર ખાતે શપથ લેવડાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) વચ્ચે ગઠબંધન છે અને બંને રવિવારે સરકાર બનાવી શકે છે. જો કે, એક છેલ્લી પ્રક્રિયા હજુ બાકી છે. જો આજે પાકિસ્તાનમાં સરકાર રચાય છે તો 9 માર્ચ પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવાની યોજના છે.
જો કે, બંને પક્ષો, પીએમએલ-એન અને પીપીપી, જે સરકાર બનાવવા જઈ રહ્યા હતા, તેમને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો કરતાં ઓછી બેઠકો મળી હતી. પૂર્વ પીએમ ઈમરાન ખાન હાલ જેલમાં છે. ગયા અઠવાડિયે, સૂત્રોએ જણાવ્યું હતું કે, 9 માર્ચ પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. કારણ કે, દેશભરની નવી ચૂંટાયેલી વિધાનસભાઓ 29મી ફેબ્રુઆરી સુધીમાં શપથ લેશે.


