ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા છે. પાકિસ્તાને પીઓકેનો મુદ્દો ઉઠાવ્યા ભારતે પણ વળતો દમદાર જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના એક ભાગ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે, જેને તેણે ખાલી કરવો જ જોઇએ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની ખુલ્લી ચર્ચા દરમિયાન સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરાવથનેની હરીશે આ નિવેદન આપ્યું હતું.
‘પીઓકે ખાલી કરાવો જ જોઇએ’
આ ચર્ચાનો વિષય ‘સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં સુસંગતતા વધારવી’ હતો, પરંતુ પાકિસ્તાને ફરી એકવાર તેમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. હરીશે જવાબ આપ્યો કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાન આ વિસ્તાર પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે, જેને તેણે તાત્કાલિક ખાલી કરવો જોઈએ.
ભારતે પાકિસ્તાન પર નિશાનો સાધતા કહ્યું કે પાકિસ્તાને ફરીથી બિનજરૂરી ટિપ્પણીનો સહારો લીધો છે. પરંતુ તેનાથી ન તો તેના ગેરકાયદેસર દાવા સાચા સાબિત થાય કે ન તો તેની સ્ટેટ સ્પોન્સર્ડ આતંકવાદની નીતિ સાચી સાબિત થાય. વધુમાં હરીશે જણાવ્યું કે ભારત આ પ્લેટફોર્મનું ધ્યાન પાકિસ્તાનના સંકુચિત અને વિભાજનકારી એજન્ડા તરફ વાળવા દેશે નહીં. તેમણે સ્પષ્ટતા કરી કે ભારત આ બાબતે વધુ વિગતવાર જવાબ આપવાનું ટાળશે.
કલમ 370 હટાવ્યા પછી સંબંધો બગડ્યા
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ, 2019 ના રોજ, ભારત સરકારે કલમ 370 દૂર કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધો હતો. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ કડવાશભર્યા બન્યા અને વેપાર બંધ થઈ ગયો. ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે આતંકવાદ, હિંસા અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઇચ્છે છે.


