પહેલો ખો-ખો વર્લ્ડકપ 13 જાન્યુઆરીથી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં રોમાંચક મેચો રમાશે, જેમાં કુલ 39 ટીમો ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, પહેલા આ ટૂર્નામેન્ટ 40 ટીમો વચ્ચે રમવાની હતી.
પુરૂષોની સ્પર્ધામાં 20 ટીમ સામેલ છે, પરંતુ તેમાં પાકિસ્તાનની ટીમનું નામ નથી. તમને જણાવી દઈએ કે, ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે થવાની હતી. પરંતુ હવે આવું નહીં થાય.
ભારત-પાકિસ્તાન વચ્ચે થશે નહીં ખો-ખો મેચ
મીડિયા રિપોર્ટ્સ મુજબ વિઝા મળવામાં વિલંબને કારણે પાકિસ્તાનની ટીમ નવી દિલ્હીમાં યોજાનાર પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં. પાકિસ્તાની ટીમને હજુ સુધી વિઝા મળ્યા નથી. આ પરિસ્થિતિમાં ભારતીય પુરુષ ટીમની પ્રથમ મેચ 13 જાન્યુઆરીએ નેપાળ સામે થશે. ખો-ખો વર્લ્ડ કપના સીઓઓ ગીતા સુદાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું, ‘જ્યારે અમે કાર્યક્રમ બનાવ્યો ત્યારે અમને આશા હતી કે તે યોજના મુજબ થશે. પરંતુ તે ખરેખર અમારા નિયંત્રણ હેઠળ નથી, વિદેશ મંત્રાલયે તેની અરજી મંજૂર કરી નથી, તેથી એવું લાગે છે કે તેના રમવાની કોઈ શક્યતા નથી. તમને જણાવી દઈએ કે, હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બંને દેશો વચ્ચે ઘણો વિવાદ થયો હતો. હવે તેની અસર અન્ય રમતો પર પણ જોવા મળી રહી છે.
હવે ખો-ખો વર્લ્ડ કપમાં પુરૂષોની મેચોની શરૂઆત ભારત અને નેપાળ વચ્ચેની પ્રથમ મેચથી થશે, જે ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે. લીગ તબક્કાની મેચો 16 જાન્યુઆરી સુધી રમાશે. આ પછી, 17 જાન્યુઆરીથી પ્લેઓફ મેચો શરૂ થશે. જ્યારે ફાઈનલ 19 જાન્યુઆરીએ ભારતીય સમય અનુસાર રાત્રે 8.15 કલાકે રમાશે. બીજી તરફ મહિલાઓની સ્પર્ધામાં કુલ 19 ટીમો રમતા જોવા મળશે.
આ ટીમોનો સામનો કરશે ભારત
પુરુષોની સ્પર્ધામાં 20 ટીમોને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમના ગ્રુપમાં નેપાળ, પેરુ, બ્રાઝિલ અને ભૂતાનની ટીમ સામેલ છે. આ સિવાય દક્ષિણ આફ્રિકા, ઘાના, આર્જેન્ટિના, નેધરલેન્ડ, ઈરાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, દક્ષિણ કોરિયા, અમેરિકા, પોલેન્ડ, ઈંગ્લેન્ડ, જર્મની, મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને કેન્યા પણ આ ટુર્નામેન્ટનો ભાગ છે.


