પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીના (BLA) અલગાવવાદીઓએ ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વા જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને સંપૂર્ણપણે ફિલ્મી સ્ટાઈલમાં હાઈજેક કરી લીધી હતી. આ ઘટનાએ પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાની સેનાએ અપહરણકારો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. BLA અલગતાવાદીઓએ આ ઘટનાને એવી રીતે અંજામ આપ્યો જાણે ફિલ્મોમાં કોઈ ટ્રેનની લૂંટ કરી હોય.
ટ્રેન હાઈજેકની ઘટના આગળ પાકિસ્તાન સરકાર બેકફૂટ પર
મળતી માહિતી અનુસાર પાકિસ્તાની ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સૈનિકોને BLA અલગતાવાદીઓએ બંધક બનાવ્યા છે. ટ્રેનમાં 400થી વધુ મુસાફરો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં આ ઘટનાની આગળ પાકિસ્તાન સરકાર બેકફૂટ પર છે. અલગતાવાદીઓએ માત્ર નાગરિક મુસાફરોને જ નહીં, પરંતુ સેનાને પણ બંધક બનાવી છે અને ધમકી આપી છે કે તેની સામે કોઈપણ કાર્યવાહીના ગંભીર પરિણામો આવશે. ત્યારે તમને જણાવી દઈએ કે ભારતમાં પણ ટ્રેન હાઈજેકિંગની ઘણી ઘટનાઓ બની છે. આ ઘટનાઓ બિહાર અને બંગાળમાં માઓવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવી હતી.
ભારતમાં ક્યારે-ક્યારે ટ્રેનને હાઈજેક કરવામાં આવી?
- 2006માં 25-30 માઓવાદીઓના જૂથે ટાટાનગર-ખડગપુર ટ્રેનને હાઈજેક કરી હતી. આ ઘટના પશ્ચિમ બંગાળ-ઝારખંડ સરહદ પર બની હતી. માઓવાદીઓએ મુસાફરો પાસેથી 1 લાખ રૂપિયા લૂંટી લીધા હતા.
- 2009માં ઝારખંડના લાતેહારમાં ગોમોહ-મુગલસરાય BDM ટ્રેનને હાઈજેક કરી હતી. આ ટ્રેનમાં 700 મુસાફરો હતા. આ ઘટનાની ખુબ ચર્ચા થઈ હતી.
- વર્ષ 2017માં ટ્રેન હાઈજેકિંગની 2 ઘટનાઓ બની હતી. માઓવાદીઓએ જમુઈમાં ધનબાદ-પટણા ઈન્ટરસિટી એક્સપ્રેસ અને લખીસરાયમાં દાનાપુર-દુર્ગ એક્સપ્રેસને હાઈજેક કરી હતી.
- આ વર્ષે 27 ઓક્ટોબરમાં માઓવાદીઓએ પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં રાજધાની એક્સપ્રેસને હાઈજેક કરી હતી. ટ્રેન લગભગ 5 કલાક સુધી ઉભી રહી હતી.
બલૂચ લિબરેશન આર્મીએ લીધી જવાબદારી
પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકની તાજેતરની ઘટનાની જવાબદારી અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA)એ લીધી છે. પાકિસ્તાન રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનમાં સેંકડો મુસાફરોને લઈ જતી પેસેન્જર ટ્રેન જાફર એક્સપ્રેસ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમાં લગભગ 400 મુસાફરો સવાર હતા. આ ટ્રેન બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી.


