- પાકિસ્તાને ભારત સાથેના લાહોર કરારનું ઉલ્લંઘન કર્યું
- કરાર બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા માટે કર્યો હતો
- લાહોર કરાર 21 ફેબ્રુઆરી 1999ના રોજ કરવામાં આવ્યો હતો
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે મંગળવારે સ્વીકાર્યું કે તેમના દેશે ભારત સાથેના લાહોર કરારનું ઉલ્લંઘન કર્યું છે. આ કરાર વર્ષ 1999માં થયો હતો અને તેના પર ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને તેમના પાકિસ્તાની સમકક્ષ નવાઝ શરીફ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
નવાઝ શરીફે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ની જનરલ કાઉન્સિલની બેઠકને સંબોધિત કરતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે 28 મે 1998ના રોજ પાકિસ્તાને પાંચ પરમાણુ પરીક્ષણ કર્યા હતા. આ પછી વાજપેયી સાહેબ અહીં આવ્યા અને અમારી સાથે કરાર કર્યા હતા. પણ અમે તેનું ઉલ્લંઘન કર્યું… તે અમારી ભૂલ હતી. આ એક ઐતિહાસિક કરાર હતો.
કરાર બાદ કારગિલ યુધ્ધ થયું
21 ફેબ્રુઆરી 1999ના રોજ શરીફ અને વાજપેયીએ સમિટ બાદ લાહોર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારમાં બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતાના વિઝન પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ, તેના થોડા મહિના પછી જ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કારગીલમાં ઘૂસણખોરી કરી. તેના કારણે જ કારગિલ યુધ્ધ થયું હતું. તે સમયે પાકિસ્તાન આર્મીની કમાન પરવેઝ મુશર્રફ પાસે હતી.
નવાઝ શરીફે ઈમરાન ખાન પર નિશાન સાધ્યું
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાને એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પરમાણુ કાર્યક્રમ રોકવા માટે તેમને પાંચ અબજ ડૉલરની ઑફર કરી હતી. તેણે કહ્યું, ‘મેં આ ઓફરને ફગાવી દીધી હતી પરંતુ જો પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન મારી ખુરશી પર હોત તો તેઓ ચોક્કસપણે ક્લિન્ટનની ઓફર સ્વીકારી લેત.’ નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સાકિબ નિસાર દ્વારા 2017માં તેમને ખોટા કેસમાં ફસાવીને વડાપ્રધાન પદેથી હટાવ્યા હતા. PML-N પ્રમુખે વધુમાં કહ્યું કે તેમની સામેના તમામ કેસ ખોટા છે, જ્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સંસ્થાપક ઈમરાન ખાન સામેના તમામ આરોપો સાચા છે.


