- પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વામાં બે આદિવાસી જૂથો વચ્ચે હિંસાનો બનાવ
- બે દિવસ અગાઉ ઝપાઝપી બાદ અચાનક હિંસાએ વિકરાલ રૂપ ધારણ કર્યું
- કુર્રમ જિલ્લામાં જમીનના ટુકડા માટે બે આદિવાસી જૂથ હથિયાર લઈ હિંસક અથડામણ કરી
આતંકવાદને આશરો આપનાર દેશ પાકિસ્તાન આજે ખૂબ ખરાબ રીતે એજ ફસાઈ ચુક્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં બે આદિવાસી જૂથો વચ્ચે ભીષણ હિંસા સર્જાઈ જેમાં અત્યાર સુધી 36 લોકોનાં મોત થયા છે. જ્યારે સેંકડો લોકો હજી ઈજાગ્રસ્ત છે. બે જૂથ વચ્ચે પાંચ દિવસ અગાઉ ભીષણ ઝપાઝપી શરૂ થઈ હતી, આ ઘર્ષણમાં હથિયારોનો પણ ઉપયોગ થયો હતો.
હિંસા ફાટી નીકળવાનું કારણ ?
પાકિસ્તાનમાં આવેલા સૌથી અશાંત વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વાના કુર્રમ જિલ્લામાં જમીનના એક ટુકડા માટે બે આદિવાસી જૂથ વચ્ચે હથિયારો લઈને હિંસક અથડામણ શરૂ થઈ હતી. આ હિંસાએ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 36 લોકો માર્યા ગયા હતા. આ હિંસા અંગે સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, આ ગામમાં અગાઉ પણ આદિવાસી જૂથો અને ધાર્મિક જૂથો વચ્ચે ઘાતક સંઘર્ષની સાથે કોમી રમખાણ પણ થયા છે. આ ઉપરાંત આતંકવાદી હુમલાઓ પણ થતા આવ્યા છે.
પોલીસનું શું છે પ્રતિક્રિયા?
પાકિસ્તામાં આ ભભૂકી ઉઠેલી હિંસા અંગે પોલીસે જણાવ્યું કે અફઘાનિસ્તાનની સરહદ સાથે અડીને આવેલા અશાંત વિસ્તાર એવા ખૈબર પખ્તૂનખ્વાના કુર્રમ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી જનજાતિ હિંસામાં 36 લોકો માર્યા ગયા છે. જ્યારે 162 લોકો ઘાયલ છે. આ ઘટના કુર્રમ જિલ્લાના બોશેરા ગામમાં બની હતી. જો કે પોલીસ અને સૈન્ય તૈનાત કરી દેવામાં આવ્યું છે.
ગોળીબાર હજી થઈ રહ્યો છે
મળતી માહિતી પ્રમાણે આદિવાસી વૃદ્ધો, સૈન્ય નેતૃત્વ, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની મદદથી થોડા સમય અગાઉ બેથી ત્રણ દિવસમાં શિયા અને સુન્ની સમુદાયો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. જો કે, જિલ્લાના કેટલાક બીજા વિસ્તારોમાં ગોળીબાર હજી ચાલુ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે બીજા વિસ્તારોમાં પણ હિંસા અટકી જાય તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે.


