છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ ફરી એકવાર કાયરતા દાખવી છે અને રાતના અંધારામાં અફઘાનિસ્તાનની અંદર મોટો રોકેટ હુમલો કર્યો છે. જે બાદ શુક્રવારે પાક-અફઘાન સરહદ પર તનાવ વધી ગયો છે. એક અહેવાલ મુજબ ટીટીપીએ પાકિસ્તાની પોસ્ટ પર કબજો કર્યો હતો, તો પાકિસ્તાની સેના અપમાનથી નારાજ થઈ અફઘાનિસ્તાનમાં અંધારી રાત્રે હુમલો કર્યો હતો. જેનો તાલિબાને ફાયરિંગ કરી વળતો જવાબ આપ્યો હતો.
અફઘાનિસ્તાનના નવાપાસ વિસ્તારમાં પાક સેનાનો રોકેટ હુમલો
મીડિયા અહેવાલ અનુસાર, પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે કુનાર પ્રાંતના સરકાનો જિલ્લાના નવાપાસ વિસ્તારમાં રોકેટ હુમલો કર્યો. આ હુમલામાં 15 લોકોના 10 જાનવરોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું હતું. અફઘાન તાલિબાનના સૈનિકોએ પાકિસ્તાની હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ હુમલામાં પાકિસ્તાનના કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી હાલમાં ઉપલબ્ધ નથી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેનાએ અફઘાન-પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારમાં હેલિકોપ્ટરથી પણ ફાયરિંગ કર્યું છે.
ભારે ઠંડીમાં રાત્રે ઘર છોડી ભાગવું પડ્યું
પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું કે આ ગોળીબાર પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર જિલ્લામાં થયો છે, જે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લાને અડીને છે. પાકિસ્તાની સેનાએ મોટા પાયે મોર્ટાર છોડ્યા હતા. જેના કારણે ભારે ઠંડીમાં સેંકડો પરિવારોએ રાત્રિના સમયે ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું હતું. પાકિસ્તાની સેનાએ હજુ સુધી આ હુમલાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તાજેતરમાં, તાલિબાનના સહયોગી ટીટીપી આતંકવાદીઓએ આ વિસ્તારમાં એક સૈન્ય ચોકી પર કબજો કર્યો હતો. ત્યારથી બંને તરફથી હિંસા સતત ચાલુ છે.
પાકિસ્તાનના વૈજ્ઞાનિકોનું અપહરણ કર્યાનો આતંકવાદીઓનો દાવો
વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે પાકિસ્તાનના હવાઈ હુમલાની સખત નિંદા કરી છે. પાકિસ્તાની હુમલાના જવાબમાં તાલિબાને પણ 18 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. આ સાથે જ TTPએ પાકિસ્તાની આર્મી બેઝ પર પણ કબજો કરી લીધો હતો. એટલું જ નહીં ટીટીપીના આતંકવાદીઓએ ખૈબર પ્રાંતમાં જ પાકિસ્તાનના 18 પરમાણુ વૈજ્ઞાનિકોનું અપહરણ કરવાનો દાવો કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આતંકવાદીઓએ યુરેનિયમ પણ લૂંટી લીધું છે. ટીટીપીએ પાકિસ્તાની સેના દ્વારા તેમની સામે શરૂ કરવામાં આવેલ સૈન્ય ઓપરેશન બંધ કરવાની માંગ કરી છે.


