જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખુબ જ વધી ગયો છે. આતંકી હુમલા બાદ લોકોમાં ભારે રોષ છે અને સમગ્ર વિશ્વ ભારતની સમર્થનમાં આવ્યું છે અને પાકિસ્તાનની આકરી ટીકા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી એક બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠકો કરી રહ્યા છે અને ભારત પાકિસ્તાન સામે ગમે તે સમયે કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે.
ફવાદ ખાનની ફિલ્મ પર મુકાયો પ્રતિબંધ
આ દરમિયાન સોશિયલ મીડિયા પર બંને દેશો વચ્ચે યુદ્ધ જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા ભારતે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની આગામી ફિલ્મ અબીર-ગુલાલની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો, હવે વધુ એક મોટા સમાચાર આવ્યા છે કે મોટા પાકિસ્તાની કલાકારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં દેખાતા નથી. તેમાં હાનિયા આમિર, માહિરા ખાન, આયેઝા ખાન, ઈકરા અઝીઝ જેવા ઘણા મોટા નામનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીને કારણે કલાકારોના ફેન્સ ખુબ જ આશ્ચર્યચકિત છે અને સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે?
કલાકારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દેખાતા બંધ થયા
માહિરા ખાન, આયેઝા ખાન, હાનિયા આમિર, ઈકરા અઝીઝ, સજલ અલી જેવા પાકિસ્તાની સ્ટાર્સનું ભારતમાં ખુબ જ મોટું ફેન ફોલોઇંગ છે. ભારતમાં પાકિસ્તાની સિરિયલોના ઘણા ચાહકો છે. હમસફર, મેરે હમસફર, ખુદા ઔર મોહબ્બત જેવા શો ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે, જોકે, હવે ફેન્સ તેમના મનપસંદ સ્ટાર્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ જોઈ શકતા નથી, જેના કારણે તેઓ ખૂબ જ નિરાશ જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર હોબાળો યુદ્ધ જેવી સ્થિતિ
સોશિયલ મીડિયા પર બંને દેશના લોકો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. ઘણા દિવસોથી ભારતમાં પાકિસ્તાની સ્ટાર્સ પર પ્રતિબંધ મૂકવાની ચર્ચાઓ ચાલી રહી છે. બોલિવૂડના ઘણા લોકોએ પણ આ પ્રતિબંધ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પાકિસ્તાની કલાકારોના ભારતીય ફેન્સ ખરેખર તેમના મનપસંદ કલાકારોના શો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જોઈ શકશે નહીં? જો કે હાલમાં સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આવી નથી.