- પાકિસ્તાની દર્દીની મફત સારવાર
- એન્જિયોપ્લાસ્ટી કરીને અપાયું નવજીવન
- જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા કેદીને મળ્યું નવજીવન
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક એવા દર્દીનો ઈલાજ કરવામાં આવ્યો છે જે પાકિસ્તાની છે અને જીવનમરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. અહીં સિવિલ ખાતે તેને એડમિટ કરવામાં આવ્યો હતો અને પછીથી તેની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. જેનાથી આ દર્દીને જીવનદાન મળ્યું હતું. આમ પાકિસ્તાની દર્દી માટે રાજકોટ સિવિલ એક ભગવાનના સ્વરૂપે સામે આવી છે અને હોસ્પિટલે માનવતા મહેકાવી છે.
મહત્વનું છે કે આ પાકિસ્તાની દર્દી હકીકતમાં એક કેદી છે. જેની હાલત ઘણી જ નાજુક અને ખરાબ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં તેને અહીં લાવવામાં આવ્યો હતો અને દાખલ કરાયો હતો. જેના પછી તેની પહેલ એન્જિયોગ્રાફી અને બાદમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. અહીં નવી બનેલી કેથલેબમાં તેની એન્જિયોગ્રાફી બાદ એન્જિયોપ્લાસ્ટી કરી આ દર્દીને નવજીવન આપવામાં આવ્યું છે. આ અંગે સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દર્દીને માટે બહાર લાખો રૂપિયાના ખર્ચે થતી સારવાર અહી તદ્દન મફત કરવામાં આવી હતી.
આ અંગેની માહિતી પ્રમાણે 14 ઓક્ટોબરના રોજ પોરબંદરની જેલમાં બંધ 50 વર્ષીય પાકિસ્તાની કેદી (માછીમાર) આરબ જુમાભાઈ પટાનીની તબિયત લથડી હતી. જેને પગલે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તમામ રિપોર્ટ તેમજ એન્જિયોગ્રાફી કરતા તેની અમુક નસો બ્લોક હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે એક પળનો પણ વિલંબ કર્યા વિના જ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને આ દર્દીને નવજીવન અપાયું હતું.
ડો. આર.એસ. ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તો આયુષ્માન ભારત કાર્ડ હોય તેવા વ્યક્તિને અહીં સારવાર આપવામાં આવે છે. જોકે, આ કેદી પાકિસ્તાની હોવાથી તેની પાસે આધારકાર્ડ નહોતું. તેમજ ગેરકાયદેસર માછીમારીના ગુનામાં જેલવાસ ભોગવતો હતો જેથી કોઈ સગાંવહાલાં પણ અહીં હાજર નહોતાં. જેને લઈ દર્દીને નારાયણ સમાન ગણી બહાર બેથી ત્રણ લાખના ખર્ચે થતી એન્જિયોપ્લાસ્ટીની સારવાર આ દર્દીને તદ્દન હોસ્પિટલમાં એકદમ ફ્રી આપવામાં આવી હતી.


