અંબાજીમાં યાત્રાળુઓને વાસી અને ફરિજમાં સંગ્રહ કરી રાખેલા ખોરાક પીરસતા અને હલકી ગુણવત્તાવાળી ચીજોમાંથી બનાવેલા ખોરાક પીરસનારાઓ સામે ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ ઓચિંતિ તપાસ કરી હતી અને 27 જેટલા સ્થળે તપાસ કરતા જે બિનઆરોગ્યપ્રદ અને વાસી ખોરાક પીરસવામાં આવી રહ્યો હતો તેમની સામે કાર્યવાહી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ નાસ્તાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહેલા નાસ્તા હાઉસવાળા વાસી અને બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસતા હોય છે. પાલનપુરમાં ખુણે ખુણે પરપ્રાંતીય ઈસમો દ્વારા ચાઈનીઝ નાસ્તાના નામે કેમિકલ ભેળવેલ ફાસ્ટફુડ અને નાસ્તો પીરસતા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે યાત્રાળુઓના આરોગ્ય સાથે ચેડા કરી રહેલા નાસ્તા પીરસનારાઓ સામે ફુડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે. જે અંગે ફુડ એન્ડ ડ્રગના અધિકારી ટી.એસ.પટેલના જણાવ્યા અનુસાર ફુડ એન્ડ ડ્રગ વિભાગે અંબાજીમાં 27 એકમો પર તપાસ કરી હતી જેમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્યસામગ્રી વેચનારા લારીવાળાઓને ત્યાં તપાસ કરતા 60 કિલો જેટલો બિનઆરોગ્યપ્રદ જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે વાસી અને ખુલ્લો તેમજ બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આમ, અંબાજી ખાતે ફુડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહીથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


