- પાલનપુરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
- ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
- પાણી ભરાવાની સમસ્યા દૂર કરતી પાલિકા આગળ જ પાણી જ પાણી ભરાયુ
બનાસકાંઠા વિસ્તારમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, સ્થાનિકો વરસાદી પાણીથી પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે પાલનપુર નગરપાલિકાના ગેટ આગળ જ વરસાદી પાણી ભરાયા છે અને ખુદ પાલિકા કર્મચારીઓ અને અધિકારીઓ પાણીમાંથી વાહન લઈને નીકળવા મજબુર બન્યા છે.
પાલિકા આગળ જ વરસાદી પાણી ભરાયા
શહેરમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરતી પાલિકા આગળ જ પાણી જ પાણી ભરાયુ છે અને પ્રિમોન્સૂન પ્લાન પાલિકા કચેરીની સામે જ ફેલ થયો છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
બે વર્ષ અગાઉ બનાવેલો રોડ વરસાદી પાણીમાં ધોવાયો
ત્યારે પાલનપુરના એસ એસબીપુરા નજીક બ્રિજનો રોડ વરસાદી પાણીના કારણે ધોવાયો છે. અઢી ઈંચ વરસાદમાં રોડ પર મોટા ખાડા પડી ગયા છે. બે વર્ષ અગાઉ જ બનાવેલો ઓવરબ્રિજનો રોડ ધોવાઈ જતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે અને બ્રિજનો રોડ ધોવાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
પાલનપુરમાં વરસાદથી દુકાન ધરાશાયી, આસપાસમાં ભારે દોડધામ મચી
શહેરમાં વરસાદના કારણે એક દુકાન પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મોટી બજારમાં આવેલી દુકાન વરસાદના કારણે ધરાશાયી થઈ હતી, જો કે દુકાનમાં કોઈ ના હોવાથી મોટી જાનહાની ટળી હતી. ઘટના બાદ જીઈબી વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તાત્કાલિક વીજ લાઈન બંધ કરી મીટર કાઢી નાખવામાં આવ્યું છે.
પ્રાંતિજમાં આભ ફાટ્યુ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે આભ ફાટયુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રાંતિજમાં ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકયો છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ભારે વરસાદને પગલે રાજ્યના 120થી વધુ રસ્તાઓ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. તેમજ 9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ભારે વરસાદને પગલે રાજ્યમાં નવા નીર આવક પણ મોટા પ્રમાણમાં થઈ છે. રાજ્યના અનેક ડેમ વરસાદી પાણીથી છલકાય ઉઠ્યા છે.


