વડગામમાં ડિન્દ્રોલથી મુક્તેશ્વર સુધી પાઈપલાઈન મારફતે વડગામના મુકતેશ્વર ડેમમાં નર્મદા મૈયાના પાણીની ટેસ્ટિંગરૂપે પધરામણી કરવામાં આવી જેના કારણે વડગામના ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. વર્ષોથી જે પૂર્વ ભાજપ પ્રમુખ સ્વ. લાલજી મામાએ જોયું હતું તે આજે ગુજરાત સરકારના પ્રયાસોથી સાકાર થયું છે. નર્મદા પાણી આવવાથી હવે વડગામ તાલુકાની ખેતી, પીવાનું પાણી અને વિકાસને નવી દિશા મળશે. આ પ્રસંગે વડગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા વિધિવત પુજન કરવામાં આવ્યું હતું. પાણીની પધરામણી બદલ આ વિસ્તારની પ્રજા અને ખેડૂતોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, બળવંતસિંહ રાજપુત, સાંસદ ભરતસિંહ ડાભી તથા જિલ્લા અધ્યક્ષ કિર્તિસિંહ વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વડગામ તાલુકાના ખેડુતો અને પ્રજાજનો તરફથી ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નર્મદા મૈયાની પધરામણી સાથે જ વડગામમાં વિકાસ અને સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો છે. આજના કાર્યક્રમમાં વડગામ તાલુકા ભાજપ સંગઠન સહિત તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


