- ગુરુવારે પેલેસ્ટિનિયન ઓથોરિટીને મળ્યા નવા પ્રધાનમંત્રી
- રાષ્ટ્રપતિ અબ્બાસે મોહમ્મદ મુસ્તફાની કરી પીએમ તરીકે નિયુક્તિ
- મુસ્તફા રહી ચૂક્યા છે ડે. પીએમ અને ઈકોનોમી મિનિસ્ટર
પેલેસ્ટિનિયન ઓથોરિટી (PA) ને ગઇકાલે 14 માર્ચ ગુરુવારના રોજ નવા પ્રધાનમંત્રી મળી ગયા છે. રાષ્ટ્રપતિ અબ્બાસે પેલેસ્ટાઈનના અગ્રણી વ્યાપારી હસ્તીઓમાંથી એક મોહમ્મદ મુસ્તફાને પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી બનાવ્યા. તેણે હમાસ ઇસ્લામિક શાસન હેઠળ ગાઝા પુનઃનિર્માણની દેખરેખ રાખી છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, મોહમ્મદ મુસ્તફા લાંબા સમયસુધી રાષ્ટ્રપતિ અબ્બાસના આર્થિક સલાહકાર પણ રહી ચૂક્યા છે. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મોહમ્મદ શતયેહનું સ્થાન લીધું છે. પેલેસ્ટાઈન ઓથોરિટીમાં સુધારાને લઈને અમેરિકન દબાણ વચ્ચે મોહમ્મદ મુસ્તફાને પીએમ બનાવવામાં આવ્યા છે. એક દાયકા પહેલા ઇઝરાયલ અને ઇસ્લામિક આતંકવાદી જૂથ હમાસ વચ્ચેના પ્રથમ યુદ્ધ પછી ગાઝામાં પુનઃનિર્માણના પ્રયાસોમાં મદદ કરવા માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.
પેલેસ્ટાઈનને નવા પીએમ પાસેથી શું છે અપેક્ષાઓ?
પેલેસ્ટાઇનના નેતાઓને આશા છે કે તેઓ હવે સ્થિતિ સુધારો લાવી શકશે, કારણ કે 7 ઓક્ટોબરના ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ વિસ્તારના પુનઃનિર્માણની તૈયારી કરી રહ્યા છે. પેલેસ્ટિનિયન ઓથોરિટીને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત છે, જેનો હેતુ ગાઝામાં યુદ્ધ બાદ પેલેસ્ટાઈનના શાસનને ફરીથી એક કરવાનો છે.
કોણ છે મોહમ્મદ મુસ્તફા?
મોહમ્મદ મુસ્તફાનો જન્મ 1954માં તુલકેરેમ નામના શહેરમાં થયો હતો. તેમણે અમેરિકાની જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને ઈકોનોમિક્સમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી. મોહમ્મદ મુસ્તફાએ વર્લ્ડ બેંકમાં પણ કેટલાંક હોદ્દા પર કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ પેલેસ્ટાઈનના ડેપ્યુટી પીએમ અને ઈકોનોમી મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં, તેઓ પેલેસ્ટાઈન ઈન્વેસ્ટમેન્ટ ફંડના ચેરમેન પણ છે.
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પેલેસ્ટાઇન અને મુસ્તફા માટે પડકારો
પેલેસ્ટિનિયન રાજકીય વિશ્લેષક હાની અલ-મસરી ભારપૂર્વક જણાવે છે કે જનતા માત્ર નામોમાં પરિવર્તન નથી વાસ્તવિક રાજકીય પરિવર્તન ઇચ્છે છે. સન્માનનીય અને શિક્ષિત હોવા છતાં, મોહમ્મદ મુસ્તફા અધિકૃત વેસ્ટ બેંકમાં પરિસ્થિતિઓ સુધારવા માટે જનતાની માંગોને પહોંચી વળવાના પડકારોનો સામનો કરવો પડશે. ઈઝરાયેલના પ્રતિબંધોને કારણે આ સ્થળે આર્થિક સંકટ ઉભું થયું છે.


