કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે સ્થિત બુધવારે નમતી બપોરના સુમારે એક પરપ્રાંતિય ઇકો કાર સળગી ઉઠવાની ઘટના ઘટી હતી. જોકે ગાડીમાં સવાર પરપ્રાંતિય પરિવાર સમયસર ગાડીમાંથી બહાર નીકળી જતા સૌનો બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશનો એક પરિવાર તેમની ઈકો ગાડીમાં શક્તિપીઠ પાવાગઢ જવા માટે નીકળ્યો હતો. જેઓ બુધવારે નમતી બપોરના સુમારે કાલોલમાંથી પસાર થતા સમયે અચાનક તેમની ગાડીમાંથી ધુમાડો નીકળતો હોવાનું ધ્યાને આવતા ઇકો ગાડીના ચાલકે સમયસર બસ સ્ટેશન સામે સાઈડમાં ઉભી કરી દીધી હતી અને ગાડીમાં સવાર પરિવારને બહાર કાઢી લીધો હતો. જે પછીના ચંદ સેકન્ડમાં ધુમાડો વધીને આગનું સ્વરૂપ પકડી લેતા આગની જ્વાળાઓ ભભુકી ઉઠી હતી. હાઈવે સ્થિત રોડ પર સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિકોએ કાલોલ પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી અગ્નિશામક ફોગનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સમગ્ર ઘટના દરમ્યાન બસ સ્ટેશન નજીક રોડ પર તૈનાત ફરજ પરના ટ્રાફ્કિ જવાનોએ સમયસર ટ્રાફ્કિ પણ બ્લોક કરી દેતાં પરિસ્થિતિ સત્વરે કાબૂમાં જોવા મળી હતી.
https://sandesh.com/maru-saher-maru-gaam


