કાલોલ શહેર નજીકના હાઈવે સ્થિત ગધેડી ફળિયાના નાળાની ખુલ્લી ગટરમાં બાઈક ચાલક પટકાતાં ઈજા થઈ હતી. કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે સ્થિત ગધેડી ફ્ળીયાના નાળા પરની ખુલ્લી ગટરની ચેમ્બર પાછલા ઘણા વર્ષોથી ટોલ હાઈવે અને પાલિકા તંત્રની બેદરકારીનો વરવો નમૂનો બની રહ્યો છે.
અગાઉ ઘણા સમયથી ખુલ્લી ચેમ્બરમાં એક ગાય પટકાતાં પાલિકાતંત્ર દ્વારા વર્ષ પહેલાં ત્યાં સેફ્ટીના ધોરણે લોખંડી જાળી બેસાડી હતી પરંતુ પાછલા એક વર્ષથી લોખંડી જાળી ગાયબ થઈ જતાં ખુલ્લી ચેમ્બર ભય સ્થાન ઉપરાંત ગંદકીનું પ્રદર્શન વધારી રહી છે. જે મધ્યે બુધવારે બપોરના સુમારે હાઈવે રોડના સમારકામની કામગીરી ચાલી રહી ત્યારે રોડની સાઈડમાંથી બાઈક લઈને પસાર થતા એક આધેડ વયના બાઈક ચાલક બાઈક સાથે ખુલ્લી ચેમ્બરમાં પડી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ચેમ્બરમાં બાઈક પટકાતાં ગધેડી ફળિયાના નાળા પાસેના આજુબાજુના દુકાનદારોએ બચાવ કામગીરી હાથ ધરીને આધેડને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. સદભાગ્યે આધેડને કોઈ મોટી ઈજાઓ નહીં થતાં સૌએ રાહત અનુભવી હતી. આ વિસ્તારમાં ખુલ્લી ગટરને પગલે અગાઉ ગાય અને હવે બાઈક ચાલક પટકાતાં બારેમાસ ખુલ્લી ગટરની ચેમ્બર અંગે સ્થાનિક વેપારીઓએ પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
https://sandesh.com/maru-saher-maru-gaam


