- અત્યંત વ્યસ્ત એરપોર્ટની સુરક્ષા પર સવાલો ઊઠયા
- નો ફ્લાય ઝોનમાં કેવી રીતે ડ્રોન મળી આવ્યું?
- ડ્રોન મળતાં CISF સહિતની વિવિધ એજન્સીઓ દોડતી થઈ હતી
અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની અવરજવરની સાથે ચાર્ટર્ડ પ્લેનોની મુવમેન્ટમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં અમદાવાદ એરપોર્ટના રન-વે પરથી પેટ્રોલિંગ કરતી ટીમને બપોરના સમયે શંકાસ્પદ ડ્રોન મળી આવતા દોડધામ મચી હતી. ડ્રોન મળતાં CISF સહિતની વિવિધ એજન્સીઓ દોડતી થઈ હતી. ડ્રોન મળી આવતાં એરપોર્ટની સુરક્ષામાં છીંડા થયાની ચર્ચાએ જોર પક્ડયુ છે. એરપોર્ટના રન-વે પર ઉભી કરાયેલી સુરક્ષા ચોકી હોવા છતાં અને નો ફ્લાય ઝોનમાં પણ ડ્રોન આવ્યું કેવી રીતે તેવી ચર્ચાએ એરપોર્ટની સુરક્ષા પર સવાલો ઉઠયા છે. CISFએ વધુ તપાસ હાથ ધરીને પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટના રન-વેની આસપાસ એરપોર્ટ તંત્રની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે જમીન પર ડ્રોન દેખાતાં તેઓએ CISFને જાણ કરીને ડ્રોનને તેઓને સોંપવામાં આવ્યું હતું. આ અંગે ફ્લાઇટના એક પાયલોટને પણ એરક્રાફ્ટમાંથી ડ્રોન દેખાયા હોવાની જાણ એર ટ્રાફિક કંટ્રોલને પણ કરાતાં એરપોર્ટ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવીને તપાસ હાથ ધરી હતી. આ અંગે CISF દ્વારા વધુ તપાસ હાથ ધરીને પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. નો ડ્રોન ફ્લાય ઝોન હોવા છતાંય ડ્રોન કેવી રીતે આવી પહોંચ્યુ તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ એરપોર્ટ પર પેટ્રોલિંગની સાથે ચેકિંગ પણ વધારવામાં આવી છે. CISFની પ્રાથમિક તપાસમાં ડ્રોન રમકડાનું ડ્રોન હોવાનું જાણવા મળ્યુ છે.


