- ભૂસ્ખલનને લીધે છથી વધુ ગામડાઓ અસરગ્રસ્ત
- પાપુઆ ન્યૂગિનીમાં મોતનો આંકડો હજી વધી શકે છે
- હાઈવે બંધ થઈ જતા હેલિકોપ્ટરની મદદ લેવાઈ
ઉત્તરી પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત ગામડાઓમાં મૃત્યુઆંક 300 થયાનું સામે આવ્યું છે. ગત શુક્રવારે આવેલા આ ભૂસ્ખલનમાં 1,182 મકાનો દટાયા હતા. ઓસ્ટ્રેલિયાના વિદેશી બાબતો અને વેપાર વિભાગે શનિવારે જણાવ્યું હતું કે મુલ્લીટાકા વિસ્તારમાં ભૂસ્ખલનથી છથી વધુ ગામો અસરગ્રસ્ત થયા છે. લોકો અને મિલકત જમીનમાં ગરકાવ થઈ હોવાનું સામે આવ્યું હતું.
મૃત્યુઆંક હજી વધી શકે છે
પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની, પોર્ટ મોરેસ્બીમાં ઓસ્ટ્રેલિયન હાઈકમિશન, નુકસાન અને મૃત્યુનું મૂલ્યાંકન કરવા અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ઓસ્ટ્રેલિયન એજન્સીએ કહ્યું છે કે મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
ભૂસ્ખલનને લીધે કાર્યવાહી પૂરજોશમાં
ભૂસ્ખલનથી હાઈવે બંધ થઈ ગયો છે, અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવા માટે હેલિકોપ્ટરની મદદ લેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. વડા પ્રધાન જેમ્સ મારાપે જણાવ્યું હતું કે આપત્તિ અધિકારીઓ, સંરક્ષણ દળ અને વર્ક્સ અને હાઇવે વિભાગ શોધ અને બચાવ પ્રયાસોમાં મદદ કરી રહ્યા છે.
કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢવા લાગ્યા
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં લોકો કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢતા જોવા મળે છે. ચારેબાજુ મોટા પથ્થરો અને તૂટેલા વૃક્ષો દેખાય છે. જેના કારણે મકાનોને પણ નુકસાન થયું છે. ટ્રાફિકને પણ અસર થઈ છે. મળતી માહિતી અનુસાર, ટાપુ રાષ્ટ્રમાં ભૂસ્ખલનને કારણે પોરગેરા સોનાની ખાણમાં કામ પ્રભાવિત થયું છે. તે બેરિક ન્યૂ ગિની લિમિટેડ વતી બેરિક ગોલ્ડ દ્વારા સંચાલિત છે. જો કે બેરિક ગોલ્ડે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.


