શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનો અમરેલી દોડી ગયા : ધાનાણીને મનાવવા પ્રયાસો લગભગ સફળ
છેલ્લા ૨૦ દિવસથી રાજકોટ લોકસભાની પ્રતિષ્ઠિત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના મજબૂત ઉમેદવાર મૂકવા માટે ચાલતી ગડમથલ હવે લગભગ સુખદ અંત તરફ આવી રહી છે. પરશોત્તમ રૂપાલા સામે રાજકોટ બેઠક પર અમરેલીમાં એક વખત તેમને ધારાસભાની ચૂંટણીમાં પરાજીત કરનાર કોંગ્રેસ અગ્રણી પરેશ ધાનાણી ચૂંટણી લડે તેવી શકયતાઓ ફરી એક વખત બળવતર બની છે. પરેશ ધાનાણીને મનાવવા માટે આજે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં ૧૫થી વધુ ટોચના આગેવાનો અમરેલી દોડી ગયા હતાં.
અમરેલી ખાતે કોંગ્રેસના આગેવાનોએ તમામ જુથો એક જૂટ થઇ પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડે તો ટેકો આપશે તેવી બાહેંધરી આપી હતી. એટલુ જ નહીં પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડવાથી આ બેઠક પર કોંગ્રેસનો દેખાવ ઘણો સુધરશે અને તેનો ફાયદો સમગ્ર સંગઠનને થશે તે બાબતે સમજાવટ કરી હતી. રાજકોટ શહેર પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા સહિતના આગેવાનોએ પરેશ ધાનાણીને ખૂબ જ સૌહાર્દ ભર્યા વાતાવરણમાં રાજકોટમાં ચૂંટણી લડવા માટે કાર્યકરો વતી અપીલ કરી હતી.
કાર્યકરોનો આટલો પ્રેમ અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની સતત અપીલના કારણે પરેશ ધાનાણીએ હાલના સંજોગોમાં ઇન્કાર કર્યો નથી અને પોઝીટીવ વિચારતા હોવાના સંકેત આપ્યા છે. જેથી કોઇપણ સમયે પરેશ ધાનાણીનું નામ પ્રદેશ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા જાહેર થઇ શકે તેવી શકયતા છે.
ખાસ કરીને રાજકોટમાં પરશોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય સેનાનો વિરોધ અને ભાજપના હાલના આંતર પ્રવાહોના કારણે રાજકોટ બેઠક હવે રસપ્રદ તબક્કામાં આવી ગઇ છે. પરશોત્તમ રૂપાલા કડવા પાટીદાર ઉમેદવાર છે. જયારે પરેશ ધાનાણી લેઉઆ સમાજના છે. જ્ઞાતિવાદી ગણિતના ઇન્કાર છતાં રાજકીય પક્ષો ઉમેદવારની પસંદગી સમયે આ પરિબળોને ધ્યાનમાં લે છે. જો રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણી લડશે તો રાજકોટમાં હવે ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે અને આ હાઇપ્રોફાઇલ બેઠક પર સમગ્ર રાજય પર દેશની મીટ રહેશે.
રૂપાલા ઉમેદવારી પાછી નહી ખેંચે તો ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે
આજરોજ રાજકોટ કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી સહિતના ૧૫થી વધુ અગ્રણીઓ અમરેલી દોડી ગયા હતા અને તેમણે પ્રદેશ કોંગ્રેસ નેતા અને જાયન્ટ કિલર પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડવા માટે તમામ જૂથો તરફથી અને શહેર કોંગ્રેસ તરફથી અપીલ કરી હતી. આ અપીલથી ભાવ વિભોર થઇ ગયેલા પરેશ ધાનાણીએ તેમનું મન બદલ્યું છે. તેમણે એવી જાહેરાત કરી છે કે જો પરશોત્તમ રૂપાલા રાજકોટમાંથી ઉમેદવારી પાછી નહીં ખેંચે તો હું રાજકોટથી ચૂંટણી લડીશ.


