- શ્રાદ્ધાળુઓમાં પંચદિન સાધ્ય મહારુદ્ર શાંતિ યજ્ઞને લઈને ઉત્સાહ
- ખેડૂતોએ પાકવાળી જમીન પ્રસંગ માટે આપી
- પહેલી વખત અરવડેશ્વર મહાદેવજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે
સિદ્ધપુર શહેર સમીપ સરસ્વતી નદીને કાંઠે બિરાજમાન અરવડેશ્વર મહાદેવના પ્રાંગણમાં યોજનાર પાંચ દિવસ મહારૂદ્ર શાંતિયજ્ઞ નિમિત્તે અરવડેશ્વર મહાદેવ સિદ્ધપુરના ઈતિહાસમાં પહેલી વખત નગર પરિક્રમા કરશે. ઈશ્વર મહાદેવની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું તા.7 માર્ચને ગુરૂવારના રોજ સવારે 9:00 કલાકે આંબાવાડી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. શોભાયાત્રામાં બિરાજમાન થઈ અરવડેશ્વર મહાદેવ શહેરના રાજમાર્ગો ઉપર નગર પરિક્રમા કરીને અંતે શોભાયાત્રા અરવડેશ્વર મહાદેવના પ્રાંગણમાં પહોંચશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સિદ્ધપુર શહેરના ઈતિહાસમાં આજદિન સુધી કદાપી અરવડેશ્વર મહાદેવ નગરની પરિક્રમા કરવા નીકળ્યા નહોતા પરંતુ હવે તા.7 માર્ચ સિદ્ધપુરના ઈતિહાસમાં લખાઈ જશે કે આ પવિત્ર દિવસે અરવડેશ્વર મહાદેવે સૌ પ્રથમ વખત સિદ્ધપુર નગરની પરિક્રમા કરી હતી.
વિશ્વ કલ્યાણના હેતુથી યોજાનાર સિદ્ધપુરના અરવડેશ્વર મહાદેવજીના પંચ દિન સાધ્ય મહારૂદ્ર શાંતિ યજ્ઞનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. મૂળરાજ સોલંકી દ્વારા વર્ષો અગાઉ રૂદ્ર મહાલયની સમીપ અતિરૂદ્ર મહાયજ્ઞનું આયોજન કર્યું હતું જે બાદ હવે અરવડેશ્વર મહાદેવજીના પ્રાંગણમાં તેનાથી પણ મોટુ મહારૂદ્ર શાંતિયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે જેનો આવતીકાલથી પ્રારંભ થઈ જશે. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અરવડેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવે જેની સાથો સાથ પાટણ જિલ્લાના નાગરિકોને અને યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ નિમિત્તે ગુરૂવારે નીકળનાર શોભાયાત્રાને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવડેશ્વર મહાદેવની શોભાયાત્રા કેવી હશે તેની લોકોમાં ભારે ઉત્સુકતા વ્યાપી છે. ખેડૂતોની દરિયાદિલી : ઊભા પાક વાળી જમીન પ્રસંગ માટે ભેટ ધરી દીધી આ પ્રસંગને દીપાવવા માટે અરવડેશ્વર મહાદેવ પ્રાંગણના આસપાસના ખેડૂતોએ પણ મોટી દરીયાદીલી બતાવી છે. ખૂબ મોટા આયોજનને લઈને આસપાસમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ માટે જમીનની જરૂરીયાત હોવાથી ખેડૂતોએ સામેથી ચાલીને તેઓનો ખેતરમાં ઊભા પાક હોવા છતાં પોતાની જમીન પ્રસંગમાં ઉપયોગમાં લેવા માટે ભેટ ધરી દીધી છે.
અરવડેશ્વર મહાદેવની પાલખી, ઘોડા અને પિતાંબરધારી ભૂદેવો શોભાયાત્રામાં જોડાશે
સિદ્ધપુરમાં સૌપ્રથમ વખત નીકળનારી અરવડેશ્વર મહાદેવજીની શોભાયાત્રામાં અરવડેશ્વર મહાદેવની પાલખી સહિત ઘોડાઓ તેમજ પીતાંબરધારી ભૂદેવો પણ શોભાયાત્રામાં જોડાશે.
સવારે 9:00 કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન
અરવડેશ્વર મહાદેવની શોભાયાત્રાનું પ્રસ્થાન ગુરૂવારે સવારે 9:00 કલાકે આંબાવાડી ખાતેથી જશે જે શોભાયાત્રા સિદ્ધપુર શહેરના રાજમાર્ગ ઉપર પરિક્રમા કરીને અંતમાં અરવડેશ્વર મહાદેવના પ્રાંગણમાં પહોંચીને તેનું સમાપન થશે.


