વૃંદાવન એટલે વૃંદા(તુલસી)નું વન. બીજા અર્થમાં વૃંદ એટલે સમૂહ અને અવન એટલે રક્ષણ. ભક્તોના સમૂહનું જ્યાં રક્ષણ થાય છે તે સ્થળ એટલે વૃંદાવન. વૃંદાએ શ્રી હરિને પામવા અહીં તપ કરેલું એટલે તે વૃંદાવન કહેવાય છે. વૃંદાવન ભૂમિનાં દર્શન કરવા માટે દેવો પણ તલસે છે.
વૃંદાવનની પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બાંધવા માટે ભાવિક ભક્તોનો મહાસાગર કારતક માસમાં છલકાય છે. શ્રી હરિવંશ મહાપ્રભુજીએ જુગલઘાટ પર પહેલો ઉતારો કરીને આ પરિક્રમાની શુભ શરૂઆત કરી હતી, જેથી પ્રતિવર્ષ પરંપરાગત વૃંદાવનની પરિક્રમાનો પ્રારંભ જુગલઘાટથી શરૂ થાય છે. જ્યાં હિત હરિવંશ મહાપ્રભુજીની બેઠક સન્મુખ આપણા આચાર્ય ગોસ્વામી પરિક્રમાના નિયમ અને પ્રતિજ્ઞાઓ લેવડાવ્યા બાદ આ પદયાત્રાનો પ્રારંભ કરાવે છે. ઘણા શ્રદ્ધાળુઓ દંડવત્ પ્રણામ કરતાં કરતાં આ પરિક્રમા પૂર્ણ કરે છે.
વૃંદાવન મંદિરોની નગરી તરીકે જગવિખ્યાત છે. અહીં લગભગ સાડા પાંચ હજારથીયે વધુ નાનાં-મોટાં મંદિરોનો સમુદાય છે. વહેલી સવારથી જ પરિક્રમાના માર્ગોમાં ભજનમંડળીઓની રમઝટ અને સંતવાણી વહ્યા જ કરે છે. વૃંદાવનની પરિક્રમા કરતાં કરતાં અલગ અલગ ઘાટ, અલગ અલગ વન, અગણિત આશ્રમો, મઠો, ગૌશાળાઓ, ધર્મશાળાઓ અને ગલી ગલીમાં શાહીઠાઠ નજરે પડે છે. અહીંનું રાધાવલ્લભજીનું મંદિર, નિકુંજવન-સેવાકુંજ, શ્રીરાસમંડલ, શ્રી ગોવિંદદેવજી, શ્રી મદનમોહનજી, શાહજી મંદિર, શ્રી રાધા દામોદર મંદિર, શ્રી કાત્યાયની મંદિર, રાજા બનમાલીરાયજીનું મંદિર, રાધા-માધવ મંદિર, શ્રી ગોપેશ્વર મહાદેવ તથા સેવકજી મહારાજની જીવન ઝાંખીનાં દર્શન કરીને ભાવિક ભક્તો પાવન થાય છે. વૃંદાવનમાં યમુના તટ પર કેટલાય ઘાટ છે. તે પૈકી જુગલઘાટ, વિહારઘાટ, ગોવિંદઘાટ, જગન્નાથ ઘાટ અને કેશીઘાટ પર યાત્રાળુઓ સ્નાન કરીને કૃતકૃત્ય થાય છે.
સમસ્ત વ્રજધામ 84 કોસની પરિમિતિમાં ફેલાયેલું છે. જેમાં 12 વન અને 24 ઉપવન છે. વૃંદાવનમાં અક્રુરઘાટ, કાલીઘાટ, યુગલઘાટ, અદ્વૈતઘાટ, શૃંગારઘાટ, યમુનાઘાટ , તુલસીકુંજ આકર્ષક દર્શનીય સ્થળો છે. આ ઉપરાંત અહીં નવાં બનેલાં મંદિરોમાં વૈષ્ણોદેવી મંદિર, પ્રેમમંદિર, અક્ષયપાત્ર, રાધાકાંત જૂનું મંદિર અને ઇસ્કોન મંદિર ભવ્યાતિભવ્ય છે. આ મંદિરોના દર્શનાર્થે લાખોની જનમેદની ઊમટી પડે છે. શ્વેત વારાહ કલ્પમાં શરદપૂર્ણિમાની રાત્રિએ શ્રીકૃષ્ણએ અહીં મહારાસ કર્યો હતો. આમ, છ માસની રાત્રિ બની ગઈ હતી. આ તો ઠાકોરજીની કૃપા કહો કે લીલા, અહીં એકસાથે નવધાભક્તિ અને સૌથી શ્રેષ્ઠ પ્રેમલક્ષણા ભક્તિને પ્રગટ કરવાનું સામર્થ્ય આ ભૂમિમાં છે. 999 તીર્થો પૈકી 100 તીર્થો પરમ પુનિત છે, પરંતુ 100 તીર્થોનો શિરમોર મુકુટમણિ એ તો શ્રી વૃંદાવન ધામ છે. આ ધામમાં આજે પણ ભક્તિ મહારાણી સાક્ષાત્ નૃત્ય કરી રહ્યાં છે. એ વૃંદાવન ધામ જાણે રાધારૂપ જ છે અને ગોવિંદનું મન હરણ કરી રહ્યાં છે.