- ભારતની ડિફેન્સ હરોળે શાનદાર દેખાવ કર્યો છે
- ભારતીય ટીમ ગુરુવારે જર્મનીને હરાવશે તો તેનું પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવું નિશ્ચિત બનશે
- જોકે ભારત જો અને તોની સ્થિતિમાં પહોંચવાના બદલે સીધો વિજય હાંસલ કરવાના તમામ પ્રયાસ કરશે
પેરિસ ઓલિમ્પિકની ટિકિટ હાંસલ કરવાથી માત્ર એક વિજય દૂર રહેલી ભારતીય વિમેન્સ હોકી ટીમ એફઆઇએચ ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પોતાના કરતાં વધારે સારી રેન્કિંગ ધરાવતી જર્મની સામે ગુરુવારે રમાનારી સેમિફાઇનલ માટે મેદાનમાં ઊતરશે ત્યારે સુકાની સવિતા પૂનિયાની ટીમે ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરવો પડશે. ભારત પ્રથમ મેચમાં અમેરિકા સામે 1-0થી હારી ગયું હતું પરંતુ બે મેચમાં ન્યૂઝીલેન્ડ અને ઇટાલીને હરાવીને ગ્રૂપ-બીમાં બીજા ક્રમે રહીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ટોચના ત્રણ સ્થાને રહેનાર ટીમને ચાલુ વર્ષે યોજાનારી પેરિસ ઓલિમ્પિક માટે સીધો પ્રવેશ મળશે. ભારતીય ટીમ ગુરુવારે જર્મનીને હરાવશે તો તેનું પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવું નિશ્ચિત બનશે. જો ભારત મેચ જીતવામાં નિષ્ફળ રહેશે તો પણ તેને ત્રીજા અને ચોથા સ્થાન માટે શુક્રવારે રમાનારી મેચ દ્વારા વધુ એક તક મળી શકે છે. જોકે ભારત જો અને તોની સ્થિતિમાં પહોંચવાના બદલે સીધો વિજય હાંસલ કરવાના તમામ પ્રયાસ કરશે. ભારતની ડિફેન્સ હરોળે શાનદાર દેખાવ કર્યો છે. જોકે પેનલ્ટી કોર્નરને ભારતે ગોલમાં ફેરવવાની આદત પાડવી પડશે. તમામ મેચમાં ભારત માટે આ નબળી કડી સાબિત થઈ રહી છે.


