- સંસદની સુરક્ષામાં ચૂક મામલે તપાસ સમિતિની રચના
- ગૃહમંત્રાલયે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી
- CRPFના ડીજી કરશે સમિતિનું નેતૃત્વ
સંસદની સુરક્ષામાં ચૂક બાદ ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા સચિવાલયની વિનંતી પર ગૃહ મંત્રાલય સંસદ ભવનની સુરક્ષામાં ખામીની તપાસ કરશે. ગૃહ મંત્રાલયે આ સંબંધમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે, જેનું નેતૃત્વ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક (DG) કરશે.
CRPFના DG કરશે અધ્યક્ષતા
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને (CRPF) સંસદના બાહ્ય સ્તરની સુરક્ષા માટેની જવાબદારી છે. સંસદ ભવન સંકુલમાં સશસ્ત્ર સીઆરપીએફના જવાનો હાજર રહે છે. તેઓ સંસદભવનની અંદર પ્રવેશતા નથી. સીઆરપીએફ અન્ય એજન્સીઓની સાથે સંસદની સુરક્ષા સાથે જોડાયેલી દરેક યોજના બનાવવામાં અગ્રણી એજન્સી છે. સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ (ડીજી) અનીશ દયાલ છે. તેમની પાસે ડીજી સીઆરપીએફનો વધારાનો હવાલો છે. તેઓ ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના ડીજી પણ છે. અનીશે આ પહેલા પણ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં ઘણો સમય વિતાવ્યો છે, તેથી તે આ સંવેદનશીલ મામલાની તપાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા કરી રહ્યા છે.
સમિતિમાં કોણ સામેલ ?
સંસદ ભવનની સુરક્ષામાં ખામીની તપાસ માટે રચાયેલી સમિતિમાં ઘણા નિષ્ણાંતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિષ્ણાંત સમિતિ તમામ દૃષ્ટિકોણથી તપાસ કરશે. સમિતિ તપાસ કરશે કે સંસદની સુરક્ષામાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ. ક્યાં થઇ અને કયા સ્તરે ભૂલ થઇ. તેમજ ભવિષ્યમાં આવી કોઇ ભૂલ ન થાય તે માટે તેને સુધારવા માટે કયા પગલાં લઈ શકાય તે તમામ બાબતે તપાસ કરવામાં આવશે.
વિઝિટર ગેલેરીમાં કાચનું સ્લાઇડીંગ લગાવાશે
સુરક્ષા ક્ષતિની ઘટના બાદ લોકસભા સચિવાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે અંતર્ગત સાંસદોને સ્માર્ટ એક્સેસ કાર્ડ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંસદ સંકુલમાં મીડિયા બ્રીફિંગ માટે પણ એક ખાસ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યો છે. સુરક્ષા સૂચનાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમામ સાંસદોએ ફેશિયલ રેક્ગનાઇઝેશન સિસ્ટમની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી સંસદ સંકુલમાં પ્રવેશ કરવામાં આવે. લોકસભા અને રાજ્યસભાની વિઝિટર ગેલેરીઓમાં ગ્લાસ પેન લગાવવામાં આવશે જેથી કોઈ મુલાકાતી સંસદની કાર્યવાહી દરમિયાન પહેલા માળેથી ક્યારેય કૂદી ન શકે.


