- દિલ્હી સંસદમાં સુરક્ષા ભંગનો મામલો
- માસ્ટરમાઇન્ડ લલિત ઝાએ કર્યુ સરેન્ડર
- પણ પુરાવાનો નાશ કરીને પોલીસ સામે આવ્યો
દિલ્હી સંસદની સુરક્ષા ભંગ મામલે આખરે માસ્ટરમાઇન્ડ લલિત ઝાએ સરેન્ડર કરી દીધુ છે. પરંતુ પોલીસને તેની પાસેથી કોઇ મોબાઇલ ફોન મળી આવ્યા નથી. કહેવામાં આવી રહ્યુ છે કે લલિત ચારેયના મોબાઇલ લઇને ભાગી ગયો હતો. જે લોકોએ સંસદની અંદર અને બહાર વિરોધ કર્યો હતો તેઓના મોબાઇલ લઇને ભાગી ગયો હતો. પરંતુ સરેન્ડર કરતા પહેલા તેણે પુરાવાનો નાશ કર્યો હોવાનું સામે આવ્યું છે.
ઝા અને મહેશ ફેસબુક દ્વારા મળ્યા
ઘટના પહેલા, ચારેય આરોપીઓએ તેમના મોબાઈલ ફોન ઝાને આપ્યા હતા જેથી કરીને તેમની ધરપકડની અપેક્ષા હોવાથી મહત્વપૂર્ણ તપાસ વિગતો પોલીસના હાથમાં ન આવી શકે. ઝા તેના મિત્ર મહેશને મળ્યો હતો. જેણે તેને રાત રહેવા માટે એક રૂમ આપ્યો હતો. ઝાએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે બંને ફેસબુક દ્વારા મળ્યા હતા. જો કે, દિલ્હી પોલીસ ઝા દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓને ચકાસી રહી છે. ઝા સંસદની બહાર પણ હાજર હતો અને તેને પ્રસિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી તેના બે સાથીદારોનો વીડિયો કેપ્ચર કર્યો હતો.
આત્મસમર્પણ કરતા પહેલા પુરાવાનો નાશ કર્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનથી દિલ્હી આવીને સરેન્ડર કરતા પહેલા લલિતે ત્યાંના ચારેય મોબાઈલ ફોન નષ્ટ કરી દીધા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીથી ભાગી ગયા બાદ લલિત કુચમન ગયો હતો જ્યાં તે તેના મિત્ર મહેશને મળ્યો હતો. મહેશે જ લલિતને રાત વિતાવવા માટે રૂમ અપાવ્યો હતો. મળતી માહિતી મુજબ બુધવારે સંસદ ભવનમાં બનેલી ઘટના બાદ લલિતે ગુરુવારે સવારે જ તમામ ફોન નષ્ટ કરી દીધા હતા. જોકે, પોલીસને લલિતની વાત પર પૂરો વિશ્વાસ નથી અને દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે બે આરોપીઓએ લોકસભાની અંદર ધુમાડાના ડબ્બાનો ઉપયોગ કર્યો હતો, જ્યારે બહાર પણ બે લોકોએ ધુમાડાના ડબ્બામાંથી રંગીન ધુમાડો ફેલાવ્યો હતો.
પોલીસે હજુ પણ ફોનની છે તલાશ
પોલીસ હવે કોઈપણ સંજોગોમાં ચારેય આરોપીઓના ફોન રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્પેશિયલ સેલની ટીમ આજે મહેશ અને લલિતને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડની માંગણી કરશે. પોલીસે અગાઉ પકડાયેલા ચાર આરોપીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને શંકા છે કે લલિત તપાસમાં અડચણ ઊભી કરવા ખોટું બોલી શકે છે. મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે મહેશના પિતરાઈ ભાઈની પૂછપરછ માટે અટકાયત કરી હતી. તે જ સમયે દિલ્હી પોલીસને ખબર પડી કે મહેશ અને લલિત સરેન્ડર કરવા દિલ્હી આવી રહ્યા છે. પોલીસે હજુ પણ ઉમેશને કસ્ટડીમાં રાખ્યો છે.
ચારેય આરોપીઓએ લલિત ઝાને ફોન આપ્યા
મહત્વનું છે કે સંસદની અંદર જતા પહેલા અને વિરોધ પ્રદર્શન કરતા પહેલા ચાર આરોપીઓ મનોરંજન, સાગર, નીલમ અને અમોલ લલિત ઝા પાસે તેમના ફોન છોડીને ગયા હતા. લલિત ઝા બહાર ભીડમાં જ હતો અને તેના વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. સ્મોગ કેન સાથે વિરોધ કરી રહેલા આરોપીઓ પકડાઇ જતા તે બધાના ફોન લઇને ભાગી ગયો હતો. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે લલિત ઝાએ સંસદ ભવનમાં વિરોધનો વીડિયો એનજીઓના માલિકને મોકલ્યો હતો જેના માટે તે કામ કરતો હતો.
4 આરોપીની 7 દિવસના રિમાન્ડ મંજૂર
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, લલિત ઝા જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે સંસદની સુરક્ષા ભંગના મામલામાં ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓના સાત દિવસના કસ્ટોડિયલ રિમાન્ડ મંજૂર કર્યા હતા.


