- સોમવારે નવા ચૂંટાયેલા સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે
- 26 જૂને લોકસભા અધ્યશ્રની ચૂંટણી થશે
- 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બંને ગૃહને સંબોધિત કરશે
18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. જેમાં નવા ચૂંટાયેલા સભ્યો સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવશે. આ પછી, 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને સાત વખતના સાંસદ ભર્તૃહરિ મહતાબને સંસદના નીચલા ગૃહના કામચલાઉ સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિપક્ષે આ પગલાની આકરી ટીકા કરી છે અને આરોપ લગાવ્યો છે કે સરકારે કોંગ્રેસના સાંસદ કે. સુરેશના દાવાની અવગણના કરવામાં આવી છે. સત્ર દરમિયાન આ મુદ્દે હોબાળો થવાની શક્યતાઓ છે.
સંસદીય બાબતોના પ્રધાન કિરન રિજિજુએ કહ્યું છે કે મહતાબ સાત ટર્મથી લોકસભાના સભ્ય છે, જે તેમને આ પદ માટે યોગ્ય બનાવે છે. તેમણે કહ્યું કે સુરેશ વર્ષ-1998 અને 2004માં ચૂંટણી હારી ગયા હતા, જેના કારણે તેમનો વર્તમાન કાર્યકાળ નીચલા ગૃહમાં તેમનો સતત ચોથો કાર્યકાળ છે.
આ પહેલા તેઓ 1989, 1991, 1996 અને 1999માં લોકસભામાં ચૂંટાયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં મહતાબને લોકસભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે શપથ લેવડાવશે. આ પછી મહતાબ સંસદ ભવન પહોંચશે અને સવારે 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ કરશે.
કાર્યવાહીની શરૂઆતમાં થોડી ક્ષણોનું મૌન રહેશે. આ પછી લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ નીચલા ગૃહ માટે ચૂંટાયેલા સભ્યોની યાદી રજૂ કરશે. આ પછી મહતાબ લોકસભાના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહના સભ્યપદના શપથ લેવા વિનંતી કરશે.
ત્યારબાદ પ્રોટેમ સ્પીકર રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત સ્પીકર્સ કમિટીને શપથ લેવડાવશે, જે 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સુધી ગૃહની કાર્યવાહી ચલાવવામાં તેમની મદદ કરશે. નવી ચૂંટાયેલી લોકસભામાં મહતાબને શપથ અપાવવામાં મદદ કરવા માટે રાષ્ટ્રપતિએ કોડીકુન્નીલ સુરેશ (કોંગ્રેસ), ટીઆર બાલુ (ડીએમકે), રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે (બીજેપી) અને સુદીપ બંદોપાધ્યાય (તૃણમૂલ કોંગ્રેસ)ની નિમણૂક કરી છે. સભ્યો
સ્પીકર્સ કમિટી પછી, પ્રોટેમ સ્પીકર મંત્રી પરિષદને લોકસભાના સભ્યો તરીકે શપથ લેવડાવશે. આ સભ્યો આગામી બે દિવસમાં તેમના નામના પહેલા અક્ષરના ક્રમમાં શપથ લેશે. બુધવારે લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે. રાષ્ટ્રપતિ 27 જૂને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 28 જૂનથી શરૂ થશે. વડાપ્રધાન 2 અથવા 3 જુલાઈના રોજ ચર્ચાનો જવાબ આપે તેવી અપેક્ષા છે.