સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થયું. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના જંગી વિજયના થોડા દિવસો પછી જ આ સત્ર આવી રહ્યું છે. આ સત્ર દરમિયાન, સરકાર તેના સુધારા એજન્ડાને આગળ ધપાવશે, જેમાં ખાનગી કંપનીઓ માટે નાગરિક પરમાણુ ક્ષેત્ર ખોલવાનો બિલનો સમાવેશ થાય છે,
પીએમ મોદીએ વિપક્ષને આપી હતી સલાહ
જ્યારે વિપક્ષ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સત્ર માટે કુલ 15 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સત્ર શરૂ થાય તે પહેલાં, પીએમ મોદીએ મીડિયાને સંબોધન કર્યું અને વિપક્ષને ગૃહમાં નાટક ન કરવા વિનંતી કરી, કહ્યું કે તેમાં નાટક માટે પુષ્કળ અવકાશ છે. તેમણે યુવા સાંસદોને બોલવાની તકો આપવાની પણ અપીલ કરી.
લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
જો કે લોકસભાની કાર્યવાહી શરૂ થયાની સાથે જ હોબાળો થયો હતો. પરિણામે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જે બાદ લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઇ પરંતુ વિપક્ષે ફરીથી હોબાળો કર્યો. વિપક્ષએ એસઆઇઆર પર ચર્ચાની માગને લઇને હોબાળો કર્યો હતો. પરિણામે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
પીએમના નિવેદન પર કોંગ્રેસનો કટાક્ષ
કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ પીએમ મોદીના નિવેદન પર કટાક્ષ કર્યો. કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ વડાપ્રધાન મોદી વિશે કહ્યું, “નાટક’ શબ્દનો ઉપયોગ તે લોકો કરી રહ્યા છે જેઓ મહાન નાટકના માસ્ટર છે. આપણે તેમની પાસેથી નાટક શીખવું પડશે. આપણને ખબર નથી કે તે કેવી રીતે કરવું, કારણ કે આપણે હૃદયથી કામ કરીએ છીએ અને મજબૂત છીએ.


