લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સહિત શાસક અને વિપક્ષ બંને પક્ષોના સંસદ સભ્યો એકસાથે જોવા મળ્યા. સંસદની કામગીરી અને સત્રની કાર્યવાહી અંગે ચા પીતી વખતે અનૌપચારિક ચર્ચાઓ થઈ. આ બેઠકના ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જેમાં શાસક અને વિપક્ષી પક્ષોના ઘણા અગ્રણી નેતાઓ એક સાથે જોવા મળ્યા છે.
ચાય પે ચર્ચામાં કોણ રહ્યું હાજર ?
ચા પીતી વખતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ, કેન્દ્રીય પ્રધાનો ચિરાગ પાસવાન, લલ્લન સિંહ, કિરેન રિજિજુ, અર્જુન રામ મેઘવાલ, એનસીપી (એસપી) સાંસદ સુપ્રિયા સુલે, સમાજવાદી પક્ષના સાંસદો રાજીવ રાય અને ધર્મેન્દ્ર યાદવ અને ડીએમકે સાંસદ એ. રાજા સહિત અનેક ફ્લોર લીડર્સ હાજર રહ્યા હતા.
પીએમ મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચે શું થઇ ચર્ચા ?
સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી અને પ્રિયંકા ગાંધીએ વાયનાડ અંગે સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન સભ્યોએ નવા સંસદ ભવનમાં સમર્પિત હોલ માટે વડા પ્રધાનની માંગણી ઉઠાવી. એક વરિષ્ઠ મંત્રીએ ટિપ્પણી કરી હતી કે જૂના સંસદ ગૃહમાં પણ આવી જ વ્યવસ્થા હતી, પરંતુ તેનો ઉપયોગ ભાગ્યે જ થતો હતો.
સભ્યોએ વડા પ્રધાનને એમ પણ કહ્યું હતું કે સત્ર ખૂબ જ ઉપયોગી રહ્યું. જોકે તેને વધુ લંબાવી શકાયું હોત, કારણ કે મોડી રાત સુધી બિલ પસાર કરવાનું આદર્શ માનવામાં આવતું નથી. મજાકમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વિપક્ષના સતત વિરોધને કારણે સત્ર પ્રમાણમાં ટૂંકું હતું.આની પર પીએમ મોદીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે તેઓ વિપત્રના અવાજ પર વધારે ભાર આપવા માગતા નહોતા ઇચ્છતા.
તમામ પક્ષના નેતાઓ રહ્યા હાજર
ઉલ્લેખનીય છે કે સંસદ સત્રના સમાપન પછી પીએમ ચા પાર્ટીનું આયોજન કરે છે જેમાં શાસક પક્ષ અને વિપક્ષ બંને પક્ષોને આમંત્રણ આપવામાં આવે છે. આને સંસદીય લોકશાહીમાં સંવાદ અને સુમેળનું પ્રતીક માનવામાં આવે છે. ગયા ચોમાસા સત્રના સમાપન પર ચા પાર્ટી પણ યોજાઈ હતી, પરંતુ તેમાં ફક્ત શાસક ગઠબંધનના ઘટક પક્ષોના નેતાઓ જ હાજર રહ્યા હતા. કોંગ્રેસ સહિત મુખ્ય વિપક્ષી પક્ષોના નેતાઓએ ચા પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. જો કે સંસદના શિયાળુ સત્ર બાદ ચા પાર્ટીમાં તમામ પક્ષના નેતાઓ ભેગા થયા હતા જેને સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.


