- કોંગ્રેસ પર રૂપાલાના ચાબખાં
- ધીરજ સાહૂના ભ્રષ્ટાચારને લઈને કર્યા પ્રહાર
- અંબાજીમાં કાર્યક્રમમાં કર્યું પરશોત્તમ રૂપાલાએ સંબોધન
યાત્રાધામ અંબાજી ખાતેના GMDC ગ્રાઉન્ડમાં તા. 9 અને 10 ડિસેમ્બર એમ બે દિવસીય અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું 27મું મહાઅધિવેશન યોજાયુ હતું. આ અધિવેશનમાં કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આદ્યશક્તિ માઁ અંબા અને કામાક્ષી મંદિરમાં માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની કામગીરીને બિરદાવતા જણાવ્યુ કે, રાજ્ય અને દેશમાં ઉદાહરણ આપી શકાય તેવું આ શ્રેષ્ઠ યુનિયન છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર આપણા ભારતનું છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.
આજે ભારતનો નાગરિક ગૌરવભેર દુનિયા સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરે છે, આ સ્વાભિમાન જગાડવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યુ છે. આજે દેશનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, એ વિકાસયાત્રાની ગંગોત્રીની શરૂઆત ગુજરાતમાં 24 કલાક વીજળી આપવાથી થઈ છે. ગામડાંઓમાં 24 કલાક વીજળીના કારણે ગામડાંઓ ભાંગતા અટક્યા છે અને ગુજરાતના ગામડાઓનો સર્વાંગી વિકાસ થયો છે. એગ્રીકલચર વીજળી માટે અલગ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે જેના લીધે ગુજરાતે કૃષિ વિકાસ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે, ત્યારે વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી વીજળીની બચત કરીએ તેમ તેમણે ઉમેર્યું હતું.
વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સમગ્ર દેશમાં પ્રારંભ કરાવ્યો છે ત્યારે આપણા ગામમાં પણ આ યાત્રા આવે ત્યારે તેમાં જોડાઈ અને યાત્રાનું ભવ્ય સ્વાગત કરીએ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઘેર બેઠા લાભ મેળવીએ.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના ઘરેથી ઈન્કમટેક્સના દરોડામાં રૂપિયાનો દલ્લો મળવા મામલે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જે વિજય થયો, જે જનતાના આશીર્વાદ છે. જ્યારે કોંગ્રેસ નેતના ઘરેથી પૈસા મળ્યા, તે પાપનો પ્રકાશ છે.
જ્યારે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ ભરત પંડ્યાએ જણાવ્યું કે, વર્ષ-2005 થી અત્યાર સુધીમાં 292 જેટલા એવોર્ડ આપણી વિજકંપનીઓને મળ્યા છે એ માટે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે, પરિવાર મજબૂત નહીં હોય ત્યાં સુધી સમાજ કે દેશ મજબૂત નહીં બની શકે એ વાત ને ધ્યાનમાં રાખી આપણા અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પરિવારને વધુ મજબૂત અને સશક્ત બનાવીએ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આપણે પણ આ વિકાસયાત્રામાં જોડાઈ દેશની પ્રગતિમાં ભાગીદાર બનીએ.
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સિનિયર કાર્યકારી પ્રમુખ અને પૂર્વ મંત્રી વાસણ આહીરે જણાવ્યું કે, ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિના સમયે વીજ વિભાગના કર્મચારીઓએ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના જીવના જોખમે કામ કર્યુ છે. ગુજરાતમાં 24 કલાક વીજળી પુરી પાડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને વીજકર્મીઓએ સાકાર કર્યો છે.
આ બે દિવસીય સંમેલનમાં નવીન ઊર્જાના સંચય અને વિચારોના આદાન પ્રદાન, સંઘના પૂર્વ પ્રમુખોનો ઋણ સ્વીકાર તથા ટેકનિકલ સ્ટાફના ફિલ્ડમાં થતા વીજ અકસ્માત અટકાવવા સંદર્ભે વિચાર- વિમર્શ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કર્મચારીઓ તેમજ અધિકારીઓના વિવિધ પ્રશ્નોનું ઝડપભેર નિરાકરણ આવે અને તેમને મળવાપાત્ર લાભો વિના વિલંબે મળી રહે તે હેતુસર 35000થી વધુ સભ્યો વાળા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને 6000થી વધુ સભ્યોવાળા GEB એન્જિનયર્સ આસોસિએશનની રચના કરવામાં આવી છે.


