ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોની કથાઓ આપણા ધર્મગ્રંથોમાં વર્ણવવામાં આવી છે. આમાંના એક અવતાર છે ભગવાન પરશુરામ. તેમને ભગવાન વિષ્ણુના ક્રોધાવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતભરમાં ભગવાન પરશુરામનાં પ્રાચીન તેમજ પ્રસિદ્ધ મંદિરો આવેલાં છે. આ મંદિરોમાં રાજસ્થાનમાં આવેલી પાલી અને રાજસમંદ જિલ્લાઓની સીમા પર આવેલા મંદિરનો સમાવેશ થાય છે. અહીં ભગવાન પરશુરામે પોતાની ફરસી વડે પથ્થરને કાપી બતાવ્યો હતો તેમજ અહીં સ્વયંભૂ શિવલિંગ પણ આવેલું છે. આ સિવાય કેરળના તિરુવનંતપુરમમાં અંદાજિત 2000 વર્ષ જૂનું ભગવાન પરશુરામનું મંદિર આવેલું છે. આ મંદિર તર્પણ વિધિ માટે પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ બે મંદિરો સિવાય મહારાષ્ટ્રના રત્નાગિરીમાં પણ તેમનું મંદિર આવેલું છે અને ઝારખંડના ગુમલા જિલ્લામાં ભગવાન પરશુરામની ફરસી ખૂંપેલી હતી તે મંદિર પણ ભારતભરમાં પ્રસિદ્ધ છે. અહીં બારેમાસ ભક્તોની ભીડ જોવા મળે છે.
ઉપરોક્ત બધાં મંદિરો સિવાય અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં આવેલો તેમના નામનો કુંડ એટલે કે `પરશુરામ કુંડ’નું અનેરું માહાત્મ્ય છે. અહીં ધાર્મિક તહેવારોમાં અને અન્ય વાર તહેવારે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. આ કુંડમા સ્નાન કરવા માટે અને પોતાનાં પાપોને દૂર કરવા માટે ભારતભરમાંથી અને વિદેશોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, કારણ કે અહીં એવી ધાર્મિક માન્યતા છે કે આ જ કુંડમાં સ્નાન કરવાથી ભગવાન પરશુરામને માતૃહત્યાના મહાપાપમાંથી મુક્તિ મળી હતી.
પરશુરામ કુંડ સાથે
જોડાયેલી દંતકથા
પૌરાણિક કથા અનુસાર, પિતા ઋષિ જમદગ્નિની આજ્ઞાનું પાલન કરીને પરશુરામે પોતાની માતા રેણુકાની હત્યા કરી હતી. આ કૃત્ય પછી જે કુહાડી (ફરસી) વડે તેમણે માતાની હત્યા કરી હતી, તે ફરસી તેમના હાથ સાથે કાયમ માટે ચોંટી ગઈ હતી! આ સમયે તેમના પિતાએ તેમને કહ્યું કે, `તમે આ જ અવસ્થામાં અલગ-અલગ નદીઓમાં જઈને સ્નાન કરો. જ્યાં તમને માતૃહત્યાના પાપમાંથી મુક્તિ મળશે, ત્યાં આ ફરસી તમારા હાથથી અલગ થઈ જશે.’
પિતાની આજ્ઞા પ્રમાણે ભગવાન પરશુરામે તે ફરસીને હાથમાં લઈને સમગ્ર ભારતનાં દેવસ્થાનો અને નદીઓનું ભ્રમણ કર્યું, પરંતુ તેમને ક્યાંય પણ તે ફરસીમાંથી મુક્તિ મળી નહીં, પરંતુ જ્યારે પરશુરામજીએ લોહિત નદી પાસે સ્થિત આ કુંડમાં આવીને સ્નાન કર્યું, ત્યારે તે ફરસી તેમના હાથથી અલગ થઈને આ કુંડમાં પડી ગઈ હતી. અંતે અહીં ભગવાન પરશુરામને માતૃહત્યાના પાપમાંથી મુક્તિ મળી. ત્યારથી જ આ કુંડનું નામ `પરશુરામ કુંડ’ પડ્યું હતું.
મકરસંક્રાંતિ પર વિશેષ સ્નાનનું મહત્ત્વ
પરશુરામ કુંડને પ્રભુ કુઠાર (ભગવાનની કુહાડી)ના નામથી પણ ઓળખવામાં આવે છે. તે અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લાની ઉત્તર-પૂર્વ દિશામાં લગભગ 24 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં આવતા શ્રદ્ધાળુઓમાં એવી અતૂટ શ્રદ્ધા છે કે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારે પરશુરામ કુંડમાં એક ડૂબકી લગાવવાથી તમામ પાપો દૂર થઈ જાય છે. સમય જતાં આ કુંડમાં સ્થાનિક અને આસપાસનાં રાજ્યોના લોકોની સાથે સાથે દેશ-વિદેશના પ્રવાસીઓમાં પણ ખૂબ લોકપ્રિય બન્યો છે અને હવે તે લોહિત જિલ્લાની એક આગવી ઓળખ બની ચૂક્યો છે.
દર વર્ષે 14-15 જાન્યુઆરીના રોજ અહીં મેળો પણ ભરાય છે. તેમજ અહીં મકરસંક્રાંતિ પર્વ પર હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આ કુંડમાં પવિત્ર સ્નાન કરવા પણ આવે છે. નેપાળ અને ભુતાન જેવા પડોશી દેશોના ભક્તો પણ અહીં આવીને ડૂબકી લગાવે છે અને ધન્યતા અનુભવે છે. એક રીતે આ `પરશુરામ કુંડ’ આંતરરાષ્ટ્રીય કુંડ તરીકે પણ પ્રસિદ્ધ છે. આમ, પરશુરામ કુંડ માત્ર એક તીર્થસ્થળ નથી, પરંતુ તે ભારતીય પૌરાણિક કથા અને પિતૃભક્તિના મહત્ત્વની ગાથાને જીવંત રાખતું એક અનન્ય ધામ છે.
– હર્ષલ બ્રહ્મભટ્ટ
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


