- રાજ્યના 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
- ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન
- સુરેન્દ્રનગરમાં 40.8, રાજકોટ 40.3 ડિગ્રી તાપમાન
રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. તેમજ રાજ્યના 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયુ છે. ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સુરેન્દ્રનગરમાં 40.8, રાજકોટ 40.3 ડિગ્રી તથા ડીસામાં 39.6 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન છે. તેમજ અમદાવાદમાં 38.5, કંડલા 38.7 ડિગ્રી, વડોદરામાં 38.8, મહુવામાં 38.6 ડિગ્રી સાથે સ્થાનિકો ગરમીમાં શેકાયા છે.
રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી
ગઇકાલે ભર ઉનાળે દાહોદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં લીંબડી, વરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે દાહોદમાં વરસાદ શરૂ થવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અગાઉ હવામાન વિભાગે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી.
ખેડૂતોની ચિંતામાં વધારો બીજી તરફ લોકોને ગરમીમાં રાહત મળી
હવામાન ખાતાની આગાહીના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનું આગમન થયું છે. જેના કારણે ભર ચૈત્રે અષાઢી માહોલ જામ્યો છે. જેના કારણે એક તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, જ્યાં બીજી તરફ લોકોને ગરમીમાં રાહત મળી રહી છે. આ વચ્ચે દાહોદ, બનાસકાંઠા અને છોટા ઉદેપુરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યમાં ઉનાળામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના વચ્ચે છોટા ઉદેપુરના કવાંટ પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. દાંતા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો અને અંબાજી, ભાણપુર અને હડાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુક્સાન પહોંચ્યું છે. જેથી ખેડૂતોની ચિંતા વધી છે.


