- ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝ
- ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ખાસ ક્લબમાં થચો સામેલ
- ટેસ્ટમાં 100 વિકેટ લેનારો ઓસ્ટ્રેલિયાનો બીજો કેપ્ટન
ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ વેલિંગ્ટનના મેદાન પર રમાઈ રહી છે, બીજા દિવસની રમતના અંતે કાંગારુ ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કિવી ટીમની પ્રથમ ઈનિંગમાં એક વિકેટ લઈને એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે, જેમાં તે ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ લેનારો ઓસ્ટ્રેલિયાનો બીજો કેપ્ટન છે અને વિશ્વનો 10મો ખેલાડી બની ગયો છે.
માત્ર 27 મેચમાં આ કારનામું કર્યું
પેટ કમિન્સે 2021માં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી એશિઝ ટેસ્ટ સીરિઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમની કપ્તાની સંભાળી હતી, ત્યારબાદ તે અત્યાર સુધી 27 ટેસ્ટ મેચોમાં ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે, જેમાં તેણે 100 વિકેટ પોતાના નામે કરી છે. આ સમયગાળા દરમિયાન, કમિન્સે 7 વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 23 રનમાં 6 વિકેટ હતું.
કમિન્સ પહેલા, ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 100 વિકેટ લેવાની સિદ્ધિ રિચી બેનોના નામે હતી, જેમણે 28 મેચોમાં કાંગારૂ ટીમની કેપ્ટનશિપ કરી હતી અને 25.79 ની સરેરાશથી 138 વિકેટ લીધી હતી. આ દરમિયાન બેનોએ 9 ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઈમરાન ખાનના નામે છે જેણે 187 વિકેટ લીધી છે. આ સિવાય કપિલ દેવના નામે કેપ્ટન તરીકે 111 ટેસ્ટ વિકેટ પણ છે.
કર્ટની વોલ્શને પાછળ છોડ્યો
જ્યારે પેટ કમિન્સે વેલિંગ્ટન ટેસ્ટના બીજા દિવસે એક વિકેટ લઈને એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી, ત્યારે સ્પિનર નાથન લાયને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં કર્ટની વોલ્શને પણ પાછળ છોડી દીધો હતો. લાયને કિવી ટીમની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ લીધી હતી, જે બાદ હવે તેની ટેસ્ટ ક્રિકેટમાં કુલ 521 વિકેટ છે, જ્યારે કર્ટની વોલ્શે તેની ટેસ્ટ કારકિર્દી દરમિયાન કુલ 519 વિકેટ લીધી હતી. લાયન હાલમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં 7મા નંબર પર છે.


