- છેલ્લી ધડીએ પિચ બદલાઇ ના જાય તે માટે કમિન્સે ફોટો પણ પાડયા
- રમતગમતોમાં હોમ ટીમને સ્થાનિક પ્રેક્ષકોનું સમર્થન મળે તે સામાન્ય બાબત
- ફાઇનલ મેચમાં કમિન્સ સમર્થકોનો ટાર્ગેટ બને તો કોઇ આશ્ચર્ય થશે નહીં
ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સે ભારત સામે રવિવારે રમાનારી ફાઇનલ પહેલાં હૂંકાર કરીને નિવેદન કર્યું હતું કે રમતગમતોમાં હોમ ટીમને સ્થાનિક પ્રેક્ષકોનું સમર્થન મળે તે સામાન્ય બાબત છે પરંતુ મારી રમત દ્વારા એક લાખ કરતાં વધુ ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં સન્નાટો છવાઇ જશે અને પ્રેક્ષકો ચૂપ થઇ જશે. અમે ભારતમાં ઘણું ક્રિકેટ રમીએ છીએ અને તેમાં શોકબકોર થવો તે નવી બાબત નથી. કદાચ ફાઇનલના કારણે તેનું સ્તર ઉપર જશે જેનો અનુભવ અમે કરી ચૂક્યા છીએ. કમિન્સે પોતાની ટીમનો આત્મવિશ્વાસ વધારવા માટે આ નિવેદન કર્યું હશે પરંતુ તેણે માત્ર 11 ખેલાડીઓ જ નહીં પરંતુ કરોડો સમર્થકોને છંછેડયા છે. ફાઇનલ મેચમાં કમિન્સ સમર્થકોનો ટાર્ગેટ બને તો કોઇ આશ્ચર્ય થશે નહીં.
સ્ટેડિયમની પિચ અંગે કમિન્સે જણાવ્યું હતું કે પિચ મજબૂત જણાય છે પરંતુ પિચનો અભ્યાસ કરવામાં હું નિષ્ણાત નથી. પિચ ઉપર ઘણું પાણી નાખવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચમાં પણ આ પિચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પિચનું નિરીક્ષણ કર્યા બાદ કમિન્સે પિચના ફોટો પણ પાડયા હતા.


