પાટણના શ્રી પદ્મનાભ ભગવાન ની સાનિધ્યમાં નિર્માણ પામનાર 700 વર્ષ પૂર્વેના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરના જીર્ણોદ્ધારને લઈને તા.27મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવેલી ઇન્ટરનેશનલ શિવ કથાકાર લંકેશ બાપુની શિવ કથાના પ્રારંભ પૂર્વે શહેરના નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સુમધુર સુરો વચ્ચે 518 પોથી યાત્રા નીકળી હતી. આ પોથી યાત્રામાં શિવ કથાકાર લંકેશ બાપુની સાથે મુખ્ય પોથી યજમાન ભરતભાઈ ગીરધરલાલ પ્રજાપતિ અને નવનીતભાઈ ડાહ્યાલાલ કોન્ટ્રાક્ટર પરિવારની સાથે પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત રાજકીય- સામાજિક આગેવાનો તેમજ પાટણના ધમૅપ્રેમી નગરજનો મોટીસંખ્યામાં જોડાયાં હતાં.
પાટણના શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં યોજાનાર આ નવ દિવસની શિવકથાના વકતા ઇન્ટરનેશનલ શિવકથાકાર ડો.લંકેશ બાપુ પોતાના સુમધુર કંઠે હજારો શિવ ભકતોને શિવકથાનું રસપાન કરાવશે કથા દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાટણ શહેરના પદ્મનાભ મંદિર પરિસરમાં 700થી વધુ વર્ષ પ્રાચીન અને પૌરાણિક શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્વાર નિમિત્તે ધાર્મિક નગરી અણહિલવાડ પાટણ ખાતે પવિત્ર પદ્મનાભ મંદિર પ્રાંગણમાં શિવકથાના પ્રારંભ પૂર્વે ગુરૂવારે બપોરે 508 શિવપોથી યાત્રા નરસિંહજી મંદિરથી પ્રસ્થાન પામી દોશીવટ, હિંગળાચાચર, જુનાગંજ બજાર, નીલમ સિનેમા, મીરા દરવાજા, માધવનગર અને પદ્મનાભ ચોકડી થઈ પદ્મનાભ મંદિરે પહોંચી હતી જ્યાં વિધિવત્ત રીતે પોથી પુજન કરી શિવક્થાનો દીપ પ્રાગટય થી પ્રારંભ કરવામાં આવ્યો હતો.


