પાટણ જિલ્લાના રાધનપુરમાં યુવક સાથે વિશ્વાસઘાત અને ખંડણીનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. લગ્ન કરાવી આપવા નામે પાંચ આરોપીઓએ યુવક પાસેથી રૂ. 10 લાખ પડાવી લીધા હોવાનો ખુલાસો થયો છે. માત્ર એટલું જ નહીં, દુલ્હન બનીને યુવકના ઘરમાં રહેવા આવેલી યુવતી રૂ. 1.25 લાખના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મિત્રતા આરોપી લાલા ભરવાડ સાથે થઈ
ફરિયાદ મુજબ યુવક પશુપાલનનો વ્યવસાય કરે છે. બે વર્ષ પહેલાં તેમના મોટા ભાઈ થરાના વાળીનાથ મંદિરમાં રસોયા તરીકે કામ કરતા હતા, જે સમયે તેમની મિત્રતા આરોપી લાલા ભરવાડ સાથે થઈ હતી. લાલા ભરવાડ તે જ મંદિરમાં ડ્રાઈવર તરીકે કામ કરતો અને ફરિયાદીના ઘરે અવારનવાર આવતો હતો. તેમને ખબર પડી કે ફરિયાદીના લગ્ન બાકી છે, જેના કારણે તેમણે “એક છોકરી મળી છે, પરંતુ લગ્ન માટે રૂ. 10 લાખ આપવા પડશે” એવી વાત કરી હતી.
ફરિયાદીના ભાઈએ રૂ. 1 લાખ રોકડા ગોવિંદ ભરવાડને આપીને સગાઈ નક્કી કરી
24 એપ્રિલ 2025ના રોજ લાલા ભરવાડ ફરિયાદી અને તેના પરિવારને રાધનપુરથી બોટાદના ઝરીયા લઇ ગયો હતો. ત્યાં જીવણ ભરવાડે હીરલ નામની છોકરીને પોતાની દીકરી ગણાવી હતી. તે જ દિવસે ફરિયાદીના ભાઈએ રૂ. 1 લાખ રોકડા ગોવિંદ ભરવાડને આપીને સગાઈ નક્કી કરી હતી. બાકીના રૂ. 9 લાખ થોડા દિવસમાં આપવા નક્કી થયું.
રૂ. 8 લાખ માટે દબાણ, દાગીના વેચીને પૈસા એકત્ર કરાવ્યા
27 એપ્રિલ 2025ના રોજ લાલા ભરવાડે બાકી રકમ માટે દબાણ કરતાં ફરિયાદીએ સગા-સંબંધીઓ પાસેથી ઉછીના, તેમજ ઘરના દાગીના વેચીને રૂ. 8 લાખ ભેગા કર્યા અને આ પૈસા દસાડા ખાતે મનુ ભરવાડ અને લાલા ભરવાડને આપ્યા હતા.
હાઈવે પર ‘દુલ્હન’ સોંપી આરોપીઓ ગાયબ
1 મે 2025ના રોજ ફરિયાદી દસાડા પહોંચતા, લાલા ભરવાડ અને અન્ય આરોપીઓએ ચોટીલા હાઈવે નજીક ઇકો ગાડીમાં ‘હીરલ’ને લાવી ફરિયાદીને રસ્તામાં જ સોંપી આપી હતી. તેમણે કહ્યું હતું કે, લગ્ન વિધિ તમે ઘરે જઈને તમારી રીતે કરી દેજો.
20 દિવસ બાદ રમત રમી
હિરલ ઘરમાં રહી ત્યારે તેણે નવો મોબાઇલ ફોન માગ્યા બાદ ફરિયાદીએ ખરીદીને આપ્યો. હિરલ વારંવાર વોટ્સએપ પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક કરતી હતી અને ફરિયાદી જોઈ જાય તો મેસેજ ડિલીટ કરતી હતી.
સગાઈ રકમ બાકી કહી ધમકી
10 મે 2025ના રોજ હિરલ ગેરહાજર હતી ત્યારે ગોવિંદ અને જીવણ ફરિયાદીના ઘરે આવ્યા. તેમણે કહ્યું કે સગાઈના રૂ. 1 લાખ બાકી છે, તેથી હિરલ પરત આવવાની ના પાડે છે. અને જો રકમ ન આપવામાં આવે તો હીરલ તમને અને તમારા ભાઈને દુષ્કર્મના કેસમાં ફસાવી દેશે એમ કહી ધમકી આપી. ગભરાઈને ફરિયાદીએ તરત જ રૂ. 1 લાખ રોકડા આપ્યા.
દાગીના લઈને દુલ્હન ફરાર
દસેક દિવસ પછી હિરલ ઘેર આવી, પરંતુ થોડા દિવસ રોકાઈ ફરી માસીનું અવસાન થયું છે કહી ઘરેથી ચાલી ગઈ. તે જ દિવસે ફરિયાદીએ ઘરમાં તપાસ કરતાં રૂ. 1.25 લાખના દાગીના ગાયબ હોવાનું ધ્યાન આવ્યું.
ધમકી બાદ અંતે ફરિયાદ — 5 આરોપીઓ સામે ગુનો
પૈસા પરત માગતાં આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી. આખરે ફરિયાદીને છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે લાલા ભરવાડ, જીવણ ભરવાડ, ગોવિંદ ભરવાડ, મનુ ભરવાડ અને હિરલ સહિત 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે..


