- રાહુલ ગાંધી આજે ગુજરાતના પાટણના પ્રવાસે
- બપોરે 12 વાગે જાહેરસભાને સંબોધશે રાહુલ ગાંધી
- પાટણમાં ભાજપમાંથી ભરતસિંહ ડાભી અને કોગ્રેસમાં ચંદનજી ઠાકોર વચ્ચે છે જંગ
ગુજરાત કોગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે તેઓ બપોરે 12 વાગે પાટણના પ્રગતિ મેદાનમાં સભા ગજવશે અને પાટણ લોકસભાના કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે ચૂંટણી પ્રચાર કરશે,આ સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, સહિતના સિનિયર નેતાઓ રહેશે ઉપસ્થિત.
રાહુલ ગાંધીની સભા
પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ભાજપના વર્તમાન સાંસદ ભરતસિંહજી ડાભી સામે ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી 2019ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી. રાહુલ ગાંધી એવા સમયે આવી ગુજરાત આવી રહ્યાં છે જ્યારે સૌથી મોટી અને જૂની પાર્ટી ભાજપ સામે રાજપૂત સમુદાયમાં વ્યાપક આક્રોશ છે જેનો ફાયદો ક્યાંકને ક્યાંક કોંગ્રેસને મળે તેવી આશા છે,પાટણ લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠક અંતર્ગત 4 બેઠક કોંગ્રેસ પાસે છે.પાટણ લોકસભા બેઠક પર ઠાકોર મતદારો નિર્ણાયક છે.
કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર વિશે જાણો
ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે. પાટણ અને સરસ્વતી તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ પણ છે. જેઓ સમાજમાં ભામાશા તરીકેની છાપ ધરાવે છે. સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. જેઓ વ્યવસાયે બિલ્ડર છે. ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા.ચંદનજી ઠાકોર ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ચંદનજી ઠાકોરનો જન્મ 01 જૂન 1972ના રોજ સુજનીપુરમાં થયો હતો. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.
પાટણનું જ્ઞાતિ સમીકરણ
ઠાકોર મતદારોના પ્રભુત્વવાળી બેઠક છે. દલિત, ક્ષત્રિય, મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. પાટીદાર મતદારો પણ બાજી પલટી શકે છે. કુલ 19 લાખ 83 હજારથી વધુ મતદાર છે.
પાટણના સામાજીક સમીકરણ જાણો
પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી 2007 થી સતત રાજકીય રીતે સફળ નિવડી રહ્યા છે. આ માટે તેઓ સામાજિક સમીકરણમાં ફીટ માનવામાં આવે છે. ભરતસિંહ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામના વતની છે. જે વિસ્તારમાં આવે છે, એ વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વિશેષ જોવા મળી રહ્યું છે. તો પાટણ બેઠક પર પણ ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે. તેમનું વતન પાટણ લોકસભા બેઠક વિસ્તારમાં આવે છે. આમ પાટણ અને તેમના વતનના વિસ્તારમાં ઠાકોર મતદારોના પ્રભાવને ધ્યાને રાખીને તેમની પર પસંદગી ઉતારવાનું કારણ માનવામાં આવી રહ્યુ છે.
ઉત્તર ગુજરાતની ઓછી ચર્ચામાં રહેતી પણ મહત્વની પાટણ બેઠક
ગુજરાતની પુરાતન રાજધાની પાટણ એ રાજ્યમાં સાંસ્કૃતિક, ઐતિહાસિક, શૈક્ષણિક અને રાજકીય રીતે આગવું સ્થાન ધરાવે છે. પાટણ શહેરની રાણકી વાવ આજે વૈશ્વિક મહત્વ ધરાવે છે. દેશની 100નું મૂલ્ય ધરાવતી ચલણી નોટ પર પાટણની રાણકીવાવનું ચિત્રણ છે. પાટણ રાણકીવાવ, સહસ્ત્રલિંગ તળાવ, પટોળા અને પાટણ શહેરની કિલ્લાબંધ અને દરવાજા સાથેના સ્થાપત્યનું કળા અને ઐતિહાસિક મહત્વ અનેરું છે. ઉત્તર ગુજરાતની ઓછી ચર્ચામાં રહેતી પાટણ લોકસભા બેઠક રાજકીય રીતે મહત્વની લોકસભા બેઠક છે. 1967 થી 2009 સુધી પાટણ લોકસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક હતી.
પાટણમાં પહેલા કોગ્રેસનો ગઢ હતો
અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક પર છેલ્લી પાંચ ચૂંટણીમાં બે વખત કોંગ્રેસ તો ત્રણ વાર ભાજપ જીત્યું છે. ઠાકોર- અનુસૂચિત જાતિ – ઓબીસી – ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પણ લોકસભા ચૂંટણીમાં વિજયનો મદાર ઠાકોર મતદારો છે. પાટણ લોકસભા બેઠક અંતર્ગત જે સાત વિધાનસભા બેઠકો આવે છે એમાં વડગામ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનાત છે જે 2019માં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીએ જીતી છે. એ ઉપરાંતની કાંકરેજ (જિ – બનાસકાંઠા),, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ (જિ – મહેસાણા) આ છ બેઠકો 2019માં ભાજપના ઉમેદવારોએ વિજય પ્રાપ્ત કર્યો છે. 1957થી પાટણ બેઠક પર યોજાયેલી 16 ચૂંટણીઓમાં છ વાર કોંગ્રેસ, છ વાર ભાજપ, એક-એક વખત સ્વતંત્ર પક્ષ, જનતા પક્ષ અને જનતા દળ ચૂંટણી જીત્યા છે.


