રોડના કામમાં કોન્ટ્રાકટરની બેદરકારી સામે નગરજનોમાં રોષની લાગણી
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટાના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૨ના કોર્નર પર ચાલી રહેલા સીસીરોડના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. રોડના પેચ વર્ક બનાવવા માટે આવેલા એજેક્સ મશીન (મિક્સર) ની ટક્કર લાગતા વીજળીનો જીવંત થાંભલો ધરાશાયી થયો હતો. સદનસીબે, સર્વિસ કેબલના સહારે થાંભલો અટકી જતાં મોટી જાનહાનિ કે શોર્ટ સર્કિટની ઘટના ટળી હતી.
સ્થાનિક રહીશ નારણભાઈ વસરાએ જણાવ્યું હતું કે, ભીડભાડ વાળા વિસ્તારમાં બપોરના સમયે જ્યારે લોકો ઘરે હોય ત્યારે જ સેફ્ટીના નિયમો નેવે મૂકીને કામ કરવામાં આવી રહ્યું હતું. બીજી તરફ, સાઈટ પર હાજર કંપનીના માણસ જાડેજા યશપાલસિંહે ઘટના બની ત્યારે કે તે પછી કોઈ પણ સરકારી અધિકારી હાજર ન હોવાની કબૂલાત કરી હતી.
આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ ગુજરાત શહેરી વિકાસ વિભાગના કામોમાં ચાલતી વ્યાપક લાલીયાવાડીનો પુરાવો છે. સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે કે આવા જોખમી કામો દરમિયાન કોઈ જવાબદાર સરકારી અધિકારી, કર્મચારી કે સુપરવાઈઝર ક્યારેય સ્થળ પર હાજર હોતા નથી. જ્યારે કોઈ જાગૃત નાગરિક નબળી કામગીરી કે અવ્યવસ્થા અંગે ફરિયાદ કરે છે, ત્યારે તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.


