- કોર્ટ મેરેજ કરતા અગાઉ મા-બાપની પરવાનગીને સરકારે સમર્થન
- ઈડરના સાબલવાડમાં પાટીદાર સમાજની અનોખી ચિંતન શિબિર
- 1500થી વધુ જ્ઞાતિજનો હાજર રહ્યા
સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય ઠેકાણે મોટાભાગના યુવક અને યુવતીઓ મા-બાપની ઈચ્છા વિરૂધ્ધ તથા તેમની પરવાનગી લીધા વિના કોર્ટ મેરેજ કરી લેતા હોય છે ત્યારે તે પછી ઉભી થતી સમસ્યાઓને કારણે મુખ્યત્વે દિકરીના પરિવારને વધુ સહન કરવુ પડે છે ત્યારે તાજેતરમાં રાજય સરકારે અનેક વિચારણાને અંતે કોર્ટ મેરેજ કરતા અગાઉ મા-બાપની પરવાનગી લેવાનો નિર્ણય જાહેર કરતા તેના ભાગરૂપે રવિવારે ઈડર તાલુકાના સાબલવાડ ગામની સમાજવાડીમાં અનોખી ચિંતન શિબીરનું આયોજન કરાયું હતુ.
આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રવિવારે સાબલવાડ ગામે આવેલ સમાજવાડીમાં એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલના પ્રમુખ પદે પાટીદાર સમાજની દિકરીઓ તથા યુવાનો અને પરિવારોનું ચિંતન શિબીરનું આયોજન કરાયું હતુ. જેમાં સમાજની દિકરી સમાજના દિકરા સાથે લગ્ન કરે તે અંગે વિશદ સમજ આપવામાં આવી હતી. આ ચિંતન શિબીરમાં આસપાસના ગામોમાંથી અંદાજે 1500થી વધુ યુવાનો, યુવતીઓ, મહિલાઓ તથા પરિવારના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ચિંતન શિબીરમાં કોઈ યુવક કે યુવતી કોર્ટ મેરેજ કરે ત્યારે તેમાં માતા-પિતાની સહમતી અને સહી ફરજીયાત કરવા માટે સરકારે લીધેલા નિર્ણય અંગે કેટલીક સમજ આપવામાં આવી હતી તથા કેાર્ટ મેરેજ કર્યા પછી ઉદ્ભવતા પ્રશ્નો અંગે પણ ચિંતા વ્યકત કરાઈ હતી. એટલુ જ નહીં પણ આ અનોખી ચિંતન શિબીરમાં ઉપસ્થિત દિકરીઓએ શપથ લીધા હતા કે, તેઓ કોર્ટ મેરેજ કરશે તો તે અગાઉ પોતાના માતા-પિતાની સહમતી સાથેની સહીવાળુ સોંગદનામું રજુ કરશે. આ ચિંતન શિબીરમાં દૂધ મંડળીઓ તથા સેવા મંડળીઓના અગ્રણીઓ અને એસપીજીના અગ્રણી રીંકેશભાઈ પટેલ, નિરવભાઈ, ભીમાભાઈ, હર્ષદભાઈ સહિત ઈડર અને વડાલી તાલુકાના અનેક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


