- પટણાની ટીમે 50-28ના સ્કોરથી વિજય મેળવ્યો, સચિને 14 પોઇન્ટ હાંસલ કર્યા
- રેઇડર સચિને પટણા માટે શાનદાર પ્રદર્શન કરીને 14 પોઇન્ટ હાંસલ કર્યા
- ટાઇટન્સ માટે ભારે લડત આપનાર પવન સેરાવતે 11 પોઇન્ટ મેળવ્યા હતા
પ્રો-કબડ્ડી લીગમાં બુધવારે રમાયેલી પ્રથમ મેચમાં પટણા પાઇરેટ્સે એકતરફી અંદાજમાં તેલુગુ ટાઇટન્સે 50-28ના સ્કોરથી પરાજય આપ્યો હતો.
રેઇડર સચિને પટણા માટે શાનદાર પ્રદર્શન કરીને 14 પોઇન્ટ હાંસલ કર્યા હતા. ટાઇટન્સ માટે ભારે લડત આપનાર પવન સેરાવતે 11 પોઇન્ટ મેળવ્યા હતા. બીજી મિનિટે પવને રેઇટ પોઇન્ટ દ્વારા તેલુગુ માટે સ્કોર 3-1નો કર્યો હતો. જોકે સચિને સુપર રેઇડ દ્વારા સ્કોર 3-3થી સરભર કર્યો હતો. ત્યારપછીની મિનિટે સેરાવતે ફરીથી સુપર રેઇડ દ્વારા સ્કોર 6-3નો કરીને મુકાબલો વધારે રોમાંચક બનાવી દીધો હતો. અંકિતે સાતમી મિનિટે સેરાવતને ટેકલ કર્યો હતો પરંતુ તેલુગુએ 8-7ની લીડ જાળવી રાખી હતી. 13મી મિનિટે તેલુગુની ટીમ ઓલઆઉટ થઇ હતી અને સ્કોર 19-13નો થયો હતો. હાફટાઇમ પહેલાં જ તેલુગુની ટીમ વધુ એક વખત ઓલઆઉટ થતા પટણાની ટીમે 28-16ના સ્કોર સાથે જંગી લીડ મેળવી વિજય તરફ આગેકૂચ કરી હતી. તેગુલુએ બીજા હાફની પ્રથમ મિનિટે જ સચિનને ટેકલ કર્યો હતો પરંતુ સ્કોર 31-19નો રહ્યો હતો.
UP યોદ્ધાસે હરિયાણા સ્ટિલર્સને પરાજય આપ્યો
પ્રો-કબડ્ડી લીગની મેચમાં યુપી યોદ્ધાસે હરિયાણા સ્ટિલર્સને 57-27ના સ્કોરથી પરાજય આપ્યો હતો. યુપી ટીમ માટે સુરેન્દ્ર ગિલે 10 રેઇડમાં સર્વાધિક 13 તથા પ્રદીપ નરવાલે 12 પોઇન્ટ મેળવ્યા હતા. હરિયાણાની ટીમ માટે વિનયે પાંચ તથા સિદ્ધાર્થ દેસાઇએ ચાર પોઇન્ટ મેળવ્યા હતા.


