- 2,200 ટુ-વ્હીલર, 800 કાર પાર્ક થાય તેવી સુવિધા થશે
- પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ફેબ્રુઆરીના અંત સુધીમાં સોંપાઇ જશે
- ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તારીખ 29મી જાન્યુઆરી
શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા શહેરના વિવિધ એન્ટ્રીપોઇન્ટ પર આવેલા ઓવરબ્રિજની નીચે 2200 ટુવ્હીલર અને 800 કારના પે એન્ડ પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટ સોંપાવમાં આવશે. આ માટે આગામી 2જી જાન્યુઆરી સુધીમાં ઔડાની વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તારીખ 29મી જાન્યુઆરી છે. પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ફેબ્રુઆરીના અંત સુધીમાં સોંપાઇ જશે.
ઔડાના અધિકારીઓએ કહ્યું કે, એસ.પી. રિંગરોડની ફરતે આવેલા ચારેય બ્રિજની નીચે ખુલ્લી જગ્યામાં દબાણ વધે નહીં અને બ્રિજની નીચેના ભાગની જળવણી થાય તે માટે પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાઇ છે. બ્રિજની બંને બાજુ રેસિડેન્સિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગો છે. જેથી ઓવરબ્રિજના કેટલાક ભાગમાં લારીઓના દબાણ થાય છે. તો કેટલાક ભાગમાં ખરીદી કરવા આવતા લોકો આડેધડ પાર્કિંગ કરીને જતાં રહે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેના નિવારણ માટે ચારેય બ્રિજની નીચે સુવ્યવસ્થિત વાહનો પાર્ક થાય તે માટે કાયમી પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં અન્ય બ્રિજની નીચે પણ પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા કરવા આયોજન ચાલી રહ્યું છે.


