મુંબઈ : રશિયાના ક્રુડ તેલના નિકાસકારો દ્વારા ચીનના કરન્સીમાં પેમેન્ટસ કરવાના આગ્રહને ભારતના આયાતકારોએ ફગાવી દીધો છે અને યુઆનમાં પેમેન્ટસ કરવાનું નકારી કાઢ્યું છે. ચીન સાથેના વિવાદને ધ્યાનમાં રાખી ભારતની તેલ કંપનીઓ ચીન સાથેના વેપાર વ્યવહારો ઘટાડવાના પ્રયાસમાં છે.
દેશની ૭૦ ટકા તેલ રિફાઈનરીઓ સરકારી માલિકની છે, માટે આ કંપનીના હોદ્દેદારોએ નાણાં મંત્રાલયના આંદેશને અનુસરવાનું રહે છે. રશિયાના પૂરવઠેદારોના દબાણ આગળ સરકાર ઝૂકશે નહીં એમ એક તેલ કંપનીના સીનિયર ઓફિસરે જણાવ્યું હતું.
ઈન્ડિયન ઓઈલે અગાઉ યુઆનમાં પેમેન્ટસ કર્યા છે, પરંતુ પછીથી તે બંધ કરી દેવાયા છે. રશિયા પાસે હાલમાં ભારતીય રૂપિયાનો વધુ પડતો પૂરવઠો થાય છે જેનો વપરાશ કરવા તે સંઘર્ષ કરી રહ્યું છે.
યુક્રેન સાથેના યુદ્ધ બાદ ચીન ખાતેથી આયાત વધી જતા રશિયાને યુઆનની ઘણી આવશ્યકતા રહે છે. રશિયાના વેપારગૃહો ચીન સાથે મોટાભાગનો વ્યવહાર ડોલરને બદલે યુઆનમાં કરી રહ્યા છે. રશિયા સાથે પેમેન્ટસના માધ્યમને લઈને મડાગાંઠ ઊભી થતા ચારથી પાંચ કારગો તાજેતરમાં મોડા પડયા હતા.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની ક્રુડ તેલની કુલ આયાતમાં રશિયાના તેલનો હિસ્સો વધી ચાલીસ ટકા પહોંચી ગયો છે અને મધ્ય પૂર્વના દેશો પાસેથી આયાતમાં ઘટાડો થયો છે.
વિશ્વમાં ભારત ક્રુડ તેલનો ત્રીજો મોટો આયાતકાર દેશ છે અને યુક્રેન પર આક્રમણને પગલે રશિયા પર લાગુ થયેલા પ્રતિબંધો બાદ ભારત રશિયાના સસ્તા તેલનો મોટો ખરીદદાર દેશ બની રહ્યો છે.