- યોજનાનો ખુલાસો કંપનીના સીઇઓ એલેક્સ ક્રિસે એક પત્ર દ્વારા કર્યો હતો
- એમેઝોન બાદ 2024માં પોતાના કર્મચારીઓની સંખ્યા ઘટાડનારી આ ચોથી ટેક કંપની બનશે
- સેલ્સફોર્સ કંપની લગભગ 700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશે
પેમેન્ટ ફર્મ PayPal હોલ્ડિંગ્સ 2024માં લગભગ 2,500 નોકરીઓ કે પોતાના વૈશ્વિક વર્કફોર્સના નવ ટકાનો કાપ કરવાનું વિચારી રહી છે. આ યોજનાનો ખુલાસો 30 જાન્યુઆરીએ કંપનીના સીઇઓ એલેક્સ ક્રિસે એક પત્ર દ્વારા કર્યો હતો. આ સિવાય બીજી એક કંપની યુનાઇટેડ પાર્સલ સર્વિસ ઇન્ક (UPS)એ પણ 12,000 નોકરીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. ક્રિસે એક સત્તાવાર જાહેરાતમાં કહ્યું કે આપણે વર્ષ દરમિયાન પ્રત્યક્ષ કાપ અને ઓપન રોલ્સને ખતમ કરીને આપણા વૈશ્વિક વર્કફોર્સને લગભગ નવ ટકા સુધી ઓછો કરી દઈશું. તેમણે કહ્યું કે અમે વ્યવસાયને યોગ્ય આકાર આપવા માટે આવું કરી રહ્યા છીએ, જેનાથી આપણે આપણા ગ્રાહકો માટે આવશ્યક ગતિ સાથે આગળ વધી શકીએ અને લાભદાયક વિકાસ કરી શકીએ. શેરબજાર બંધ થયા બાદ કંપનીએ આ પત્ર પોતાની વેબસાઇટ પર પણ પોસ્ટ કર્યો હતો. સેલ્સફોર્સ કંપની લગભગ 700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશે. આ કંપનીએ 2023માં પોતાના 10 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ગૂગલ, ટ્વિચ (Twitch), અને એમેઝોન બાદ 2024માં પોતાના કર્મચારીઓની સંખ્યા ઘટાડનારી આ ચોથી ટેક કંપની બનશે.


