પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા ચેરમેન તરીકે ચૂંટાયા છે. મીડિયા રિપોર્ચ મુજબ સભ્યો વચ્ચેની ઓનલાઈન બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વખતે એશિયા કપ 2025 ભારતમાં યોજાવાનો છે, જે સપ્ટેમ્બરમાં રમવાની અપેક્ષા છે. છેલ્લી વખેત આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડેલમાં રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ ટાઈટલ જીત્યું હતું. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના વડા તરીકે નકવીએ શમ્મી સિલ્વાનું સ્થાન લીધું છે.
પાકિસ્તાન માટે સારા સમાચાર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે મોટા સારા સમાચાર આવ્યા છે. PCBના વડા મોહસીન નકવીને એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નકવી સમક્ષ પહેલો પડકાર એશિયા કપ 2025 હશે, જે આ વર્ષે રમવાનો છે. ભારત એશિયા કપનું આયોજન કરી રહ્યું છે અને નકવી તેનું આયોજન કેવી રીતે કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે બગડેલા રાજકીય સંબંધોને કારણે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભાગ લેવા માટે પાડોશી દેશમાં ગઈ ન હતી. ભારતીય ટીમે તેની બધી મેચ દુબઈમાં રમી હતી. આ પરિસ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે એશિયા કપનું પણ હાઈબ્રિડ મોડેલમાં આયોજન કરી શકાય છે અથવા ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાશે. એશિયા કપની યજમાની માટેની રેસમાં યુએઈ અને શ્રીલંકાનું નામ આગળ છે.
સપ્ટેમ્બરમાં રમાશે એશિયા કપ
એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં આયોજિત થવાનો છે. આ નિર્ણય 2026માં યોજાનાર T20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરના બીજા કે ચોથા અઠવાડિયામાં શરૂ થઈ શકે છે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 19 મેચ રમવાની અપેક્ષા છે. એશિયા કપનો છેલ્લો ખિતાબ ટીમ ઈન્ડિયાએ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવ્યું. પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા વિના આ ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. ત્રણેય ખેલાડીઓ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.


